તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં ‘મહાયુતિ'ની સુનામીઃ ૧૭માંથી ૧૬ બેઠકો પર ભગવો લહેરાવી વિપક્ષના સૂપડા સાફ
સાંગલી-સતારામાં શરદ પવાર જૂથના ઉમેદવારને કારમી પરાજય આપી ગઢ રાખ્યો અકબંધ : નાસિકમાં બળવાખોરે બગાડી શિંદેની ગેમ

મુંબઇ, તા.૨૨: મહારાષ્ટ્રના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની સ્થાનિક સત્તાવાળાઓની ૧૭ બેઠકો માટે યોજાયેલી હાઈ-પ્રોફાઈલ ચૂંટણીમાં શાસક ‘મહાયુતિ' ગઠબંધને વિપક્ષી મહાવિકાસ અઘાડીના કિલ્લાના કાંગરા વિખેરી નાખ્યા છે. મહાયુતિએ ૧૭ માંથી રેકોર્ડબ્રેક ૧૬ બેઠકો પર પ્રચંડ વિજય મેળવીને રાજ્યના રાજકીય ફલક પર પોતાનું એકચક્રી શાસન સાબિત કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ૧૮ જૂનના રોજ થયેલા મતદાન પહેલાં જ વ્યૂહાત્મક પકડના કારણે મહાયુતિના ૬ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે બાકીની ૧૧ બેઠકો માટે આજે ૨૨ જૂનના રોજ જાહેર થયેલા પરિણામોમાં પણ શાસક પક્ષની જ આંધી જોવા મળી હતી. આ ભવ્ય જીત બાદ સમગ્ર મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (અજીત પવાર જૂથ) ના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ઢોલ-નગારા સાથે વિજય ઉત્સવ મનાવી રહ્યા છે.
આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૧, શિવસેનાએ ચાર અને એનસીપીએ બે બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જો કે, આ મહાવિજયની વચ્ચે શાસક ગઠબંધનને નાસિક બેઠક પર અણધાર્યો અને મોટો આંચકો સહન કરવો પડ્યો છે. નાસિકમાં ભાજપના જ બળવાખોર નેતા ગોકુલ ગીતેએ સત્તાવાર ઉમેદવાર સામે બગાવત કરી અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું. તેમણે શિવસેનાના સત્તાવાર હાઈપ્રોફાઈલ ઉમેદવાર નરેન્દ્ર દરાડેને પરાજય આપીને આ બેઠક આંચકી લીધી છે, જે મહાયુતિ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ એકમાત્ર બેઠકને બાદ કરતાં બાકીની તમામ બેઠકો પર વિરોધ પક્ષોનો કારમો પરાજય થયો છે, જેનાથી આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં વિપક્ષી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે.
સૌથી વધુ રસાકસીભરી બનેલી સાંગલી-સતારા વિધાન પરિષદ બેઠક પર મહાયુતિ સમર્થિત ભાજપના દિગ્ગજ ઉમેદવાર ધૈર્યશીલ કદમે એકતરફી અને પ્રચંડ વિજય મેળવીને ઈતિહાસ રચ્યો છે. તેમણે કુલ ૮૮૫ મતોમાંથી ૫૯૩ પ્રથમ પસંદગીના મત મેળવીને મહાવિકાસ અઘાડી અને શરદ પવાર જૂથના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અભયસિંહ જગતાપને ૩૦૧ મતોના વિશાળ માર્જિનથી ધોબીપછાડ આપી છે. પરાજય બાદ વિપક્ષી ઉમેદવાર જગતાપે દાવો કર્યો હતો કે મહાવિકાસ અઘાડી પાસે શરૂઆતમાં માત્ર ૧૯૨ મતોનું જ સંખ્યાબળ હતું, પરંતુ તેમને કુલ ૨૯૨ મતો મળ્યા છે જે દર્શાવે છે કે આશરે ૧૦૦ મતો ક્રોસ વોટિંગ થઈને તેમની તરફ આવ્યા હતા. જો કે, આ આક્ષેપો વચ્ચે પણ ભાજપ અને મહાયુતિએ આ મહત્વપૂર્ણ મતવિસ્તારમાં પોતાનો ગઢ મજબૂતાઈથી અકબંધ રાખવામાં સફળતા મેળવી છે
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
