તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
રાજકારણમાં સત્યનો બલિ ચડી રહ્યો છે: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિપક્ષ સામે આકરા પ્રહારો કર્યા, અસંમતિ અને અરાજકતા વચ્ચેનો તફાવત સમજાવ્યો
ચૂંટણી કમિશનર અને એસઆઈઆર વિવાદ વચ્ચે વિપક્ષ જાણીજોઈને દેશમાં ભ્રામક પ્રચાર અને અફરાતફરી પેદા કરી લોકશાહી સંસ્થાઓની વિશ્વસનીયતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો ગંભીર આરોપ

નવી દિલ્હી, તા.૧૯: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કરતા દેશના વર્તમાન રાજકીય માહોલ, ઈવીએમ (EVM) અને એસઆઈઆર (SIR) પ્રક્રિયા અંગે એક મીડિયા લેખ દ્વારા અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો હતો કે વિપક્ષ જાણીજોઈને ખોટી માહિતી, પાયાવિહોણા આરોપો અને ઉશ્કેરણીજનક નિવેદનો દ્વારા માહોલ બગાડવાનો તથા અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે યુદ્ધની જેમ વર્તમાન રાજકીય લડાઈમાં પણ સૌથી પહેલા સત્યનો જ બલિ ચડી રહ્યો છે, જે અત્યંત ચિંતાજનક છે.
સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે આજના "પોસ્ટ-ટ્રુથ" યુગમાં સચોટ તથ્યો અને પુરાવાઓને બદલે ખોટા પ્રચાર તથા ભાવનાત્મક અપીલને આગળ ધરીને જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. તાર્કિક ચર્ચાના સ્થાને ઉશ્કેરણીજનક બોલીએ જગ્યા લઈ લીધી છે. આ માત્ર લોકમતને પ્રભાવિત કરવાનો જ નહીં, પરંતુ દેશની બંધારણીય અને લોકતાંત્રિક સંસ્થાઓની વિશ્વસનીયતા પર સતત હુમલા કરીને તેને ઓછી કરવાનો વિપક્ષનો પ્રયાસ છે. વારંવાર એક જ જૂઠાણાને દોહરાવીને સત્યને દબાવી દેવાનું રાજકારણ રમાઈ રહ્યું છે.
રાજનાથ સિંહે ભારપૂર્વક કહ્યું કે ભારતીય રાજકારણમાં વિપક્ષ પોતાના રાજકીય સ્વાર્થ માટે રાષ્ટ્રીય હિતોને પણ બાજુ પર મૂકી રહ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ વિચારવિમર્શનો હેતુ માત્ર વિપક્ષની ટીકા કરવાનો કે પોતાના દાવા સાબિત કરવાનો નથી. લોકશાહીમાં તંદુરસ્ત નીતિઓ માટે અસંમતિ અને ટીકા હોવી અનિવાર્ય છે અને તેમાં કશું ખોટું નથી. પરંતુ અસંમતિના નામે સતત ભ્રામક આરોપો લગાવીને દેશની બંધારણીય સંસ્થાઓ પરથી જનતાનો વિશ્વાસ ઉઠાવી લેવો તે બિલકુલ યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે વિરોધ પક્ષો ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ પર અડગ છે અને ઈવીએમ તથા ચૂંટણી પ્રક્રિયાઓ અંગે સતત સવાલો ઉઠાવી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજનાથ સિંહે સમજાવ્યું હતું કે લોકશાહીમાં વિચારોની ભિન્નતા કે અસહમતી સ્વીકાર્ય છે, પરંતુ પાયાવિહોણી અફવાઓ ફેલાવીને અરાજકતા ઊભી કરવાની છૂટ કોઈને આપી શકાય નહીં.
પોતાના આર્ટિકલમાં તેમણે દેશના નાગરિકોને પણ આહ્વાન કર્યું હતું કે તેઓ સત્ય અને જૂઠાણા વચ્ચેનો તફાવત સમજે. તથ્યોની તપાસ સામે ન ટકી શકે તેવા આક્ષેપોથી જનતાએ દોરવાવું ન જોઈએ. લોકશાહીની મજબૂતી માટે બંધારણીય સંસ્થાઓમાં પ્રજાનો વિશ્વાસ જાળવી રાખવો અત્યંત અનિવાર્ય છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
