<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ટ્રમ્પનો યુ-ટર્ન: 'ચીની વાયરસ' કહેનારા ડોનાલ્ડ હવે શી જિનપિંગના ગુણગાન ગાતા થાકતા નથી!

બેઇજિંગમાં પ્રમુખ ટ્રમ્પની અણધારી ખુશામતથી દુનિયા સ્તબ્ધ: 'જિનપિંગ મહાન નેતા છે' કહીને 24 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસનું આમંત્રણ આપ્યું

બેઇજિંગ:  અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની 'અનપ્રિડિક્ટેબલ' હોવાની છાપ સાચી પાડી છે. જે ચીનને તેઓ ગત વર્ષ સુધી 'અન્યાયી વેપારી' અને કોરોના માટે જવાબદાર ગણાવતા હતા, તે જ દેશની ધરતી પર ઊભા રહીને ટ્રમ્પે રાષ્ટ્રપતિ શી જિનપિંગને વિશ્વના "મહાન નેતા" અને પોતાના "પરમ મિત્ર" જાહેર કર્યા છે. બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે આયોજિત ભવ્ય સ્વાગત સમારોહથી અભિભૂત થયેલા ટ્રમ્પે જાહેરાત કરી હતી કે શી જિનપિંગ આગામી 24 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસની મુલાકાત લેશે. ટ્રમ્પની આ ખુશામતભરી ભાષાએ રાજદ્વારી નિષ્ણાતોને મુંઝવણમાં મૂકી દીધા છે, કારણ કે ફેબ્રુઆરી 2025માં જ તેમણે ચીન પર ફેન્ટાનાઇલના મુદ્દે 20% ટેરિફ ઝીંકીને આર્થિક યુદ્ધ છેડ્યું હતું.

ટ્રમ્પના આ બદલાયેલા સૂર પાછળ મિત્રતા કરતાં 'વ્યવહાર' વધુ હોવાનું દેખાઈ રહ્યું છે. અત્યારે જ્યારે ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ છે અને વૈશ્વિક સપ્લાય ચેઈન જોખમમાં છે, ત્યારે ટ્રમ્પ ઈચ્છે છે કે ચીન અમેરિકી કૃષિ ઉત્પાદનોની ખરીદી વધારે અને ફેન્ટાનાઇલ ડ્રગના સ્ત્રોત પર લગામ લગાવે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ભલે ઘણા લોકોને તેમનું આ બોલવું પસંદ ન હોય, પણ જિનપિંગ એક મજબૂત નેતા છે. આ એક લાક્ષણિક 'ટ્રમ્પ શૈલી' છે, જેમાં તેઓ પહેલા સામી વ્યક્તિના આકાશ જેવડા વખાણ કરે છે અને પછી ટેબલ પર બેસીને પોતાની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ હેઠળ કડક સોદાબાજી કરે છે.

બીજી તરફ, શી જિનપિંગે પણ ટ્રમ્પના MAGA (મેક અમેરિકા ગ્રેટ અગેન) અભિયાન અને ચીનના વિકાસને એકસાથે ચાલતા જોવાની ઈચ્છા વ્યક્ત કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. જિનપિંગે હરીફાઈ છોડીને સહયોગ પર ભાર મૂક્યો હતો. જોકે, ટ્રમ્પના કટ્ટર સમર્થકો પણ આશ્ચર્યમાં છે કે જે ચીન અમેરિકાનો સૌથી મોટો વ્યૂહાત્મક દુશ્મન છે, તેની સાથે આટલી નિકટતા કેટલી યોગ્ય છે? અત્યારે તો બેઇજિંગમાં ગ્લાસ ઉંચા કરીને 'ટોસ્ટ' પીવામાં આવી રહ્યા છે, પરંતુ વ્હાઇટ હાઉસની સપ્ટેમ્બરની મુલાકાત વખતે આ 'દોસ્તી' કેટલા ટેરિફ ઘટાડશે કે વધારશે તેના પર આખી દુનિયાની નજર રહેશે.

(10:25 PM IST)