News of Friday, 31st July 2026
ટ્રમ્પની આકરી વિઝા વ્યૂહરચના: OPT માટે $100,000 ની ફી અને ગ્રીન કાર્ડ બોન્ડ જેવા આકરા નિયમોથી અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ પર અનિશ્ચિતતાનું સંકટ!
$100,000 ની H-1B વિઝા ફી કોર્ટમાં અટક્યા બાદ ટ્રમ્પ વહીવટીતંત્ર હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે OPT વર્ક પરમિટ અને ગ્રીન કાર્ડ અરજદારો પર લાખો ડોલરનો નવો નાણાકીય બોજ લાદવાની તૈયારી કરી રહ્યું છે.

નવી દિલ્હી | તા.31: વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે વિઝા નિયમોને લઈને ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર યુનાઈટેડ સ્ટેટ્સમાં કામ કરવા ઈચ્છતા આંતરરાષ્ટ્રીય સ્નાતકો માટે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) હેઠળ $100,000 (લગભગ 83 લાખ રૂપિયાથી વધુ) ની ભારે વિઝા ફી લાદવાની એક આકરી દરખાસ્ત પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવશે, તો તે અમેરિકાના ઇમિગ્રેશન ઇતિહાસનો સૌથી મોંઘો ચાર્જ બનશે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તુરંત કોઈ નીતિગત ફેરફાર નથી થયો, પરંતુ તેમણે આ દરખાસ્ત વિચારણા હેઠળ હોવાનો ઇનકાર પણ કર્યો નથી.
ટ્રમ્પ વહીવટીતંત્રની આ વ્યૂહરચના કોઈ નવી નથી. અગાઉ સપ્ટેમ્બર 2025 માં તેમણે વિદેશથી નવા H-1B કામદારોને નોકરી પર રાખતી કંપનીઓ પર $100,000 ની ફી ઝીંકી હતી, જેને ફેડરલ કોર્ટે અટકાવી દીધી હતી અને હાલમાં તેની વસૂલાત સ્તગિત છે. તે સિવાય $5 મિલિયનના 'ગોલ્ડ કાર્ડ' રેસીડેન્સી પ્રોગ્રામ અને કાયમી નિવાસ ઈચ્છતા ઇમિગ્રન્ટ્સ માટે $100,000 ના ગ્રીન કાર્ડ બોન્ડ જેવી દરખાસ્તો પણ લાવવામાં આવી છે. OPT કાર્યક્રમ હેઠળ હાલમાં આશરે 3,00,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓનો મોટો હિસ્સો છે.
યુનિવર્સિટીઓ અને નિષ્ણાતોની ચેતવણી: અમેરિકી યુનિવર્સિટીઓ અને વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે આટલા મોટા નાણાકીય બોજથી અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓનું નામાંકન ઘટી શકે છે અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અમેરિકાની સ્પર્ધાત્મકતા નબળી પડી શકે છે.
ઇમિગ્રેશન પ્રક્રિયામાં નાનામોટા ફેરફારો કરવાના બદલે છ-આંકડાની મોટી ફી અને આકરા નાણાકીય નિયમો રજૂ કરીને કાયદેસર ઇમિગ્રેશનને મર્યાદિત કરવાની આ પેટર્નથી અમેરિકામાં ભણવા અને કામ કરવા ઈચ્છતા ભારતીય યુવાનો અને આઈટી પ્રોફેશનલ્સ માટે મોટી અનિશ્ચિતતા ઊભી થઈ છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
