News of Friday, 1st May 2026
ટ્રમ્પનો ‘ટેરિફ ટેરર’: યુરોપિયન કારો પર ૨૫% ટેક્સનો ઝીંકાયો બોમ્બ, વૈશ્વિક વેપાર યુદ્ધની ભયાનક શરૂઆત
વ્હાઇટ હાઉસના એક નિર્ણયથી જર્મની અને ફ્રાન્સના ઓટો સેક્ટરમાં ભૂકંપ: BMW, મર્સિડીઝ અને ઓડી જેવી લક્ઝરી બ્રાન્ડ્સ હવે અમેરિકામાં થશે મોંઘીદાટ

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિનો પરચો આપતા યુરોપિયન દેશો પર મોટો આર્થિક પ્રહાર કર્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે યુરોપિયન યુનિયન માંથી આયાત થતી તમામ કાર અને ટ્રક પર ૨૫% જેટલો મસમોટો આયાત વેરો લાદવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પના આ ‘ટેરિફ બોમ્બ’ને કારણે વૈશ્વિક બજારમાં સોપો પડી ગયો છે. અમેરિકાની દલીલ છે કે દાયકાઓથી યુરોપિયન દેશો વેપારમાં અમેરિકાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને આ નવો ટેક્સ અમેરિકન ઉદ્યોગો તેમજ સ્થાનિક કામદારોના હિતોનું રક્ષણ કરવા માટે અનિવાર્ય છે.
આ જાહેરાત થતાની સાથે જ જર્મની, ફ્રાન્સ અને ઈટાલી જેવા દેશોના ઓટોમોબાઈલ જાયન્ટ્સમાં ગભરાટ ફેલાયો છે. વોક્સવેગન, BMW અને મર્સિડીઝ જેવી દિગ્ગજ કંપનીઓ માટે અમેરિકા એક મોટું માર્કેટ છે અને ૨૫% ટેક્સ વધવાને કારણે આ વાહનોની કિંમતમાં લાખો રૂપિયાનો વધારો થશે. આર્થિક વિશ્લેષકો માની રહ્યા છે કે ટ્રમ્પના આ પગલાથી માત્ર યુરોપિયન કંપનીઓને જ નુકસાન નહીં થાય, પરંતુ અમેરિકામાં પણ વાહનોની અછત અને ભાવવધારો જોવા મળી શકે છે. આ નિર્ણયે ૨૦૧૮-૧૯ના વેપાર યુદ્ધની યાદ તાજી કરી દીધી છે, જેણે વૈશ્વિક સપ્લાય ચેઈનને વેરવિખેર કરી નાખી હતી.
ટ્રમ્પના આ આક્રમક વલણ સામે હવે યુરોપિયન યુનિયન પણ વળતો પ્રહાર કરવાની તૈયારી કરી રહ્યું છે. જો EU પણ અમેરિકન ઉત્પાદનો પર વળતો ટેક્સ લાદશે, તો દુનિયા એક મોટા વેપાર યુદ્ધ માં હોમાઈ શકે છે. આ માત્ર કાર ઉદ્યોગ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ તેની અસર શેરબજાર, ટેકનોલોજી અને ખેત ઉત્પાદનો પર પણ પડશે. વ્હાઇટ હાઉસના આ તેવર સ્પષ્ટ કરે છે કે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય રાજદ્વારી અને આર્થિક સંબંધોમાં મોટા પાયે ઉથલપાથલ થવાની પૂરેપૂરી શક્યતા છે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
