<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

ટ્રમ્પનું 'પ્રોજેક્ટ ફ્રીડમ' ફ્લોપ: હોર્મુઝની સામુદ્રધુનીમાં ૧૬૦૦ જહાજો અને હજારો ખલાસીઓ ફસાયા, વિશ્વના ઓઈલ સપ્લાય પર તોળાતું ગંભીર સંકટ!

અમેરિકી સૈન્ય સુરક્ષા વચ્ચે માત્ર બે જહાજો પસાર થઈ શક્યા; યુદ્ધવિરામ છતાં મિસાઈલ હુમલા ચાલુ રહેતા શિપિંગ કંપનીઓએ જોખમ લેવાનો કર્યો ઈનકાર, ૪૮ કલાકમાં જ અભિયાન સ્થગિત

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢવા માટે શરૂ કરવામાં આવેલું 'પ્રોજેક્ટ ફ્રીડમ' નિષ્ફળ સાબિત થયું છે. અમેરિકી સૈન્યની કડક સુરક્ષા હોવા છતાં, માત્ર બે જ જહાજો આ જોખમી માર્ગ પરથી પસાર થઈ શક્યા હતા, જેના કારણે ૪૮ કલાક બાદ આ ઓપરેશનને હાલ પૂરતું રોકી દેવાની ફરજ પડી છે.
અનિયમિતતા અને ભયના ઓથાર હેઠળ ૧૬૦૦ જહાજો
સીએનએનના અહેવાલ મુજબ, આ માર્ગ પર હજુ પણ અંદાજે ૧૬૦૦ જહાજો અને તેના પર સવાર હજારો નાવિકો અનિશ્ચિતતામાં ફસાયેલા છે. ૨૧ માઈલ પહોળા આ દરિયાઈ માર્ગ પર યુદ્ધવિરામની જાહેરાત છતાં સતત મિસાઈલ હુમલા થઈ રહ્યા છે. લોસ એન્જલસ પોર્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જીન સેરોકાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી કાયમી શાંતિ કરાર અમલમાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ કોમર્શિયલ શિપિંગ કંપની જોખમ લેવા તૈયાર નથી.
વિશ્વના અર્થતંત્ર અને તેલ પરિવહન પર માઠી અસર
સંઘર્ષ શરૂ થયો તે પહેલા આ માર્ગ પરથી દરરોજ સરેરાશ ૧૨૦ જહાજો પસાર થતા હતા, જે વિશ્વના મોટા ભાગના તેલ પરિવહન માટે કરોડરજ્જુ સમાન છે. છેલ્લા બે મહિનાથી જહાજો સુરક્ષિત રસ્તાની રાહ જોઈ રહ્યા છે. શિપિંગ કંપનીઓ સામે માત્ર સુરક્ષા જ નહીં પરંતુ આર્થિક નુકસાનનું પણ મોટું સંકટ છે, કારણ કે યુદ્ધ જેવી સ્થિતિમાં વીમા કંપનીઓ નુકસાનની ભરપાઈ કરવા માટે બંધાયેલી હોતી નથી.
મિસાઈલ હુમલામાં જાનહાનિ અને ઈરાનનું વલણ
આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન મુજબ, ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ૩૨ જહાજો મિસાઈલ હુમલાનો ભોગ બન્યા છે, જેમાં ૧૦ લોકોના મોત થયા છે અને ૧૨થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, ઈરાને 'પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી' નામની નવી સંસ્થા બનાવીને જહાજોની અવરજવર અને ટોલ ટેક્સ વસૂલવાની વ્યવસ્થા શરૂ કરી છે. જોકે, અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પાસે આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર નિયંત્રણ કરવાનો કોઈ કાયદેસરનો અધિકાર નથી.

(8:21 PM IST)