News of Thursday, 7th May 2026
ટ્રમ્પનો ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ સાઉદીના ‘નો એન્ટ્રી’ બોર્ડ સામે ટાઢો પડ્યો: હોર્મુઝમાં અમેરિકી દબાણ પાછળનું અસલી રહસ્ય
રિયાધના કડક વલણ અને એરસ્પેસના ઈનકાર વચ્ચે પ્રમુખ ટ્રમ્પે મધ્ય પૂર્વમાં પોતાની રણનીતિ બદલી : તેલના માર્ગ પર સર્જાયેલું વૈશ્વિક તણાવ હવે મુત્સદ્દીગીરીના ટેબલ પર

રિયાધ: મધ્ય પૂર્વના રણ પ્રદેશમાં અત્યારે ગરમી માત્ર તાપમાનની નથી, પણ સત્તાના સંઘર્ષની છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાની નાકાબંધી તોડવા માટે જે 'પ્રોજેક્ટ ફ્રીડમ'ની ગર્જના કરી હતી, તેને સાઉદી અરેબિયાના એક ઝટકાએ શાંત કરી દીધી છે. અહેવાલ મુજબ, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આક્રમક જાહેરાત તો કરી દીધી, પરંતુ સાઉદી અરેબિયાએ પોતાના 'પ્રિન્સ સુલતાન એર બેઝ'ના ઉપયોગ પર અને સાઉદી એરસ્પેસ પર પ્રતિબંધ મૂકી દેતા અમેરિકાને રણમેદાનમાંથી પીછેહઠ કરવી પડી છે. આ ઘટનાક્રમે સાબિત કર્યું છે કે મધ્ય પૂર્વમાં અત્યારે માત્ર સુપરપાવરની ઈચ્છા ચાલતી નથી, પણ સ્થાનિક સાથીઓનો સાથ પણ એટલો જ અનિવાર્ય છે.
ટ્રમ્પ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) વચ્ચેના હોટલાઇન પર થયેલા સંવાદોમાં કોઈ સમજૂતી ન સધાતા સ્થિતિ વધુ વણસી હતી. સાઉદી અરેબિયા આ વખતે સીધા સંઘર્ષના મૂડમાં નથી, પરિણામે તેણે અમેરિકી ફાઈટર જેટ્સને ઉડાન ભરવાની મંજૂરી ન આપીને ટ્રમ્પ વહીવટીતંત્રને અચરજમાં મૂકી દીધું છે. બીજી તરફ, ઓમાન અને કતાર જેવા દેશો સાથે પણ યોગ્ય સંકલનનો અભાવ દેખાઈ આવ્યો હતો. કતારના અમીર સાથેની વાતચીત બાદ ટ્રમ્પને સમજાયું કે માત્ર લશ્કરી તાકાતથી હોર્મુઝનો માર્ગ ખુલ્લો કરવો મુશ્કેલ છે, અને કદાચ એટલે જ 'પ્રોજેક્ટ ફ્રીડમ'ને અચાનક 'ટૂંકા ગાળા' માટે સ્થગિત કરવાની ફરજ પડી છે.
વ્હાઇટ હાઉસ ભલે એવો દાવો કરતું હોય કે આ બધું એક રણનીતિનો ભાગ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ગલ્ફ ક્ષેત્રમાં યુએસ સૈન્યની કામગીરી સાઉદી અને અન્ય સાથીઓના 'એક્સેસ અને બેઝિંગ' પર ટકેલી છે. હાલમાં પાકિસ્તાન જેવી મધ્યસ્થી શક્તિઓ ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવાના પ્રયાસો કરી રહી છે, જેને સાઉદીનું સમર્થન મળી રહ્યું હોય તેવું જણાય છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પ આ 'ટૂંકા વિરામ' બાદ કોઈ નવી સમજૂતી સાથે આવે છે કે પછી સાઉદી અરેબિયાનું દબાણ અમેરિકાને કાયમી ધોરણે રક્ષણાત્મક મોડમાં લાવી દેશે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
