તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
ટ્રમ્પની નીતિઓ પર ભડક્યા રો ખન્ના: 'ભારત-અમેરિકાના સંબંધો ૩૦ વર્ષના સૌથી નીચલા સ્તરે'
વોશિંગ્ટનમાં યોજાયેલી હાઈ-પ્રોફાઈલ સમિટમાં ભારતીય-અમેરિકન ડેમોક્રેટિક નેતાએ આકરી આલોચના કરી : વિદ્યાર્થી વિઝા અને ઈમિગ્રેશન પોલિસી સામે સવાલો ઉઠાવીને રાજકીય ગરમાવો વધાર્યો

વોશિંગ્ટન: યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ લીડરશીપ સમિટમાં એક મોટો રાજકીય ધડાકો થયો છે. કેલિફોર્નિયાના પ્રભાવશાળી ભારતીય-અમેરિકન ડેમોક્રેટિક કોંગ્રેસમેન રો ખન્નાએ મંચ પરથી સીધા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા હતા. કોઈ પણ જાતની આડછોડ વિના સ્પષ્ટ શબ્દોમાં તેમણે દાવો કર્યો કે, ટ્રમ્પની ભારત વિરોધી નીતિઓના કારણે આજે બંને દેશો વચ્ચેના સંબંધો છેલ્લા ૩૦ વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. ખન્નાએ ચીનની તેમની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, ત્યાંના ભારતીય રાજદૂતે પણ સ્વીકાર્યું છે કે ટ્રમ્પના નિર્ણયોએ ભારતની એક આખી પેઢીનો ભરોસો તોડી નાખ્યો છે.
૮૦ વર્ષીય ટ્રમ્પને નબળા અને બિનઅસરકારક ગણાવતા રો ખન્નાએ ખાસ કરીને ઈરાન પ્રત્યેની અમેરિકી નીતિઓ સામે લાલ આંખ કરી હતી. તેમણે મક્કમતાથી કહ્યું કે, ઈરાન સાથે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરવાની ટ્રમ્પની જીદે ભારતમાં ગેસ અને ઈંધણના ભાવો પર વિનાશક અસર કરી છે. આ અંગે તેમણે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરનું નામ લઈને પડકાર ફેંક્યો કે જો કોઈને શંકા હોય તો તેઓ સીધી વિદેશ પ્રધાન સાથે વાત કરી શકે છે. આ ઉપરાંત, AI ક્ષેત્રે અમેરિકાની પકડ મજબૂત હોવાના ટ્રમ્પના દાવાની મજાક ઉડાવતા તેમણે આંકડા ટાંક્યા કે ટોચના ૩૮ ટકા એઆઈ સંશોધકો ચીની મૂળના છે, અને ટ્રમ્પ પ્રતિભાઓને આવકારવાને બદલે દેશમાંથી ભગાડી રહ્યા છે.
બીજી તરફ, આ જ કાર્યક્રમમાં હાજર ભારતમાં યુએસ એમ્બેસેડર સેર્ગીયો ગોરે ખન્નાના વિચારોથી તદ્દન વિપરીત અને સકારાત્મક વલણ રજૂ કર્યું હતું. ગોરે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે, નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેની મિત્રતા સમયની દરેક કસોટી પર ખરી ઉતરશે. તેમણે નવી દિલ્હીમાં ભારતીય મંત્રી સાથે થયેલી વાતચીતને યાદ કરતા ઉમેર્યું કે, 'મીડિયા કે સમાચારોમાં ગમે તે આવે, પરંતુ આજથી ૫૦ વર્ષ પછી પણ વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહી વચ્ચેના સંબંધો અતૂટ રહેશે.' ગોરે ભારપૂર્વક જણાવ્યું કે બંને દેશો મજબૂત વિરોધ પક્ષ સહિતના લોકશાહીના સમાન સિદ્ધાંતો ધરાવે છે, જે આ વૈશ્વિક ભાગીદારીને કાયમ જીવંત રાખશે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
