<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

ટ્રમ્પનો નવો ટેરિફ દાવ :ભારત સહિત 16 દેશો અમેરિકાના નિશાના પર: વૈશ્વિક વેપારમાં ફરી તણાવ વધવાના સંકેત

ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત 16 દેશો પર આયાત શુલ્ક વધારવાની અમેરિકાની યોજના:અમેરિકાએ આ દેશોમાં સરકારી સબસિડી અને ઔદ્યોગિક સહાયને લઈને તપાસ હાથ ધરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટેરિફના હથિયારથી વૈશ્વિક વેપારને અસર પહોંચાડવાની તૈયારીમાં હોવાના અહેવાલ સામે આવ્યા છે. ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત 16 દેશો પર આયાત શુલ્ક વધારવાની અમેરિકાની યોજના હોવાનું કહેવાય છે. વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)ના અહેવાલ પ્રમાણે, અમેરિકાએ આ દેશોમાં સરકારી સબસિડી અને ઔદ્યોગિક સહાયને લઈને તપાસ હાથ ધરી છે. જો નવા ટેરિફ લાગુ થશે તો ભારતની નિકાસ, અમેરિકા સાથેની વેપાર વાટાઘાટો અને વૈશ્વિક બજાર પર તેની અસર જોવા મળી શકે છે.

અમેરિકા ભારત, ચીન, યુરોપિયન યુનિયનના 27 સભ્ય દેશો, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત 14થી વધુ દેશોમાંથી થતી આયાત પર ટેરિફ વધારવાનું વિચારી રહ્યું છે. અહેવાલ મુજબ, અમેરિકાના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ (USTR) જેમિસન ગ્રીર દ્વારા ઔદ્યોગિક સબસિડી અંગે ચાલી રહેલી તપાસના તારણો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.

અમેરિકાનો દાવો છે કે કેટલાક દેશો પોતાની કંપનીઓને સરકારી સબસિડી અને અન્ય આર્થિક સહાય પૂરી પાડે છે. તેના કારણે ત્યાં ઉત્પાદિત માલ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓછા ભાવે વેચાય છે અને અમેરિકન કંપનીઓ માટે સ્પર્ધા મુશ્કેલ બને છે. આ જ મુદ્દાને આધારે વોશિંગ્ટન નવા ટેરિફનું આયોજન કરી રહ્યું હોવાનું કહેવાય છે.

નવા ટેરિફના દર અંગે હજુ અંતિમ નિર્ણય જાહેર થયો નથી. જોકે, અહેવાલમાં જણાવ્યા મુજબ યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયા પર 15% કે તેનાથી ઓછો ટેરિફ લાગવાની શક્યતા છે. બીજી તરફ ભારત અને વિયેતનામને વધુ આયાત શુલ્કનો સામનો કરવો પડી શકે છે.

ટેરિફના અંતિમ દર નક્કી કરવામાં અમેરિકા સાથે સંબંધિત દેશોના વેપાર કરારોની શરતો પણ મહત્વની બની શકે છે. ચીન પર સૌથી વધુ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ભારત માટે કેટલો વધારાનો ટેરિફ લાગશે તે અંગે હાલ સ્પષ્ટતા નથી.

અમેરિકાની યોજના મોટાભાગના આયાતી ઉત્પાદનોને આવરી લે તેવી શક્યતા છે. જોકે, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ જેવા કેટલાક ઔદ્યોગિક ઉત્પાદનોને નવી ટેરિફ વ્યવસ્થામાંથી અલગ રાખવામાં આવી શકે છે.

(12:23 AM IST)