News of Thursday, 30th April 2026
ટ્રમ્પનો નવો ખેલ: હોર્મુઝની સામુદ્રધુની હવે ‘સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ’! અમેરિકી રાષ્ટ્રપતિએ નકશો બદલી ઈરાનને આપી ખુલ્લી ચેતવણી
“નાકેબંધી એ બોમ્બમારા કરતાં વધુ શક્તિશાળી હથિયાર છે”: ટ્રમ્પનો ઈરાન પર પ્રહાર; પરમાણુ મહત્વાકાંક્ષા નહીં છોડે ત્યાં સુધી સમુદ્રી ઘેરાબંધી ચાલુ રાખવાની મક્કમ જાહેરાત

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે એક નવા અને વિવાદાસ્પદ વળાંક પર પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંના એક એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'નો નકશો શેર કર્યો છે. જોકે, આ નકશામાં તેમણે આ સામુદ્રધુનીનું નામ બદલીને ‘સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ’ (Strait of Trump) કરી દીધું છે. ટ્રમ્પના આ પગલાથી આખા પશ્ચિમ એશિયામાં ખળભળાટ મચી ગયો છે.
નાકેબંધી: ટ્રમ્પની ‘અચૂક’ વ્યૂહરચના
બુધવારે ટ્રમ્પે ઈરાન સામે ચાલી રહેલી અમેરિકી નૌસેનાની નાકેબંધીને એક ‘શાનદાર વ્યૂહરચના’ ગણાવી હતી. તેમણે દાવો કર્યો કે આ ઘેરાબંધી એટલી શક્તિશાળી છે કે ઈરાને હાર માનવી જ પડશે. ટ્રમ્પે ગર્જના કરતા કહ્યું કે, “જ્યાં સુધી તેહરાન તેના પરમાણુ કાર્યક્રમને પડતો નહીં મૂકે, ત્યાં સુધી અમારી નૌસેના એક પણ જહાજને પસાર થવા દેશે નહીં. દુનિયાની સૌથી શક્તિશાળી સેના આપણી પાસે છે અને આપણી સાથે મજાક કરનારને પાઠ ભણાવતા આપણને આવડે છે.”
ઈરાન આર્થિક રીતે પાયમાલ થવાના આરે
અમેરિકાની આ સમુદ્રી ઘેરાબંધીને કારણે ઈરાનના બંદરો પરથી માલસામાનની આવક-જાવક લગભગ ઠપ થઈ ગઈ છે. અહેવાલો મુજબ, ઈરાન આર્થિક રીતે ભીંસમાં મુકાયું છે. ઈરાન ઈચ્છે છે કે અમેરિકા પહેલા આ નાકેબંધી હટાવે, પરંતુ ટ્રમ્પ પોતાની શરતો પર મક્કમ છે. ટ્રમ્પનું માનવું છે કે સીધા યુદ્ધ કે બોમ્બમારા કરતા આ પ્રકારની આર્થિક નાકેબંધી શત્રુને ઘૂંટણિયે લાવવા માટે વધુ અસરકારક સાબિત થાય છે.
‘નાના પણ શક્તિશાળી’ હુમલાની તૈયારી?
દરમિયાન, કેટલાક અહેવાલો એવા પણ સંકેત આપી રહ્યા છે કે જો ઈરાન નમતું નહીં જોખે, તો અમેરિકાનું સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ઈરાનના મહત્વના માળખાકીય સંસાધનો પર ‘નાના પરંતુ ઘાતક’ હુમલાની યોજના બનાવી રહ્યું છે. આ હુમલાનો હેતુ ઈરાન પર દબાણ વધારીને તેને ફરીથી વાતચીતની ટેબલ પર લાવવાનો છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે જરૂર પડ્યે તેઓ આ પ્રકારના ‘કાઈનેટિક એક્શન’ (લશ્કરી કાર્યવાહી) માટે મંજૂરી આપી શકે છે. હાલમાં તો ‘સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ’ના નામે કરવામાં આવેલી આ પોસ્ટ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
