તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 14th November 2026
ટ્રમ્પની માસ્ટર પ્લાનિંગ: ડોનબાસ છોડો અને નાટોનું સુરક્ષા કવચ મેળવો : રશિયા-યુક્રેન યુદ્ધના અંત માટે અમેરિકાનો ચોંકાવનારો પ્રસ્તાવ સામે આવ્યો
અમેરિકાના નવા પ્રસ્તાવ મુજબ યુક્રેનને પૂર્વીય ડોનબાસના નિયંત્રિત વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચવા પડશે બદલામાં નાટો સભ્યપદ મળશે : રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે અંતિમ નિર્ણય દેશની જનતા પર છોડવામાં આવશે

કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિનાશક યુદ્ધને સમાપ્ત કરવા માટે હવે અમેરિકા તરફથી એક નવો અને ચોંકાવનારો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેણે વૈશ્વિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. અહેવાલો અનુસાર, અમેરિકાની આ નવી યોજના અંતર્ગત યુક્રેનને નાટો નું સભ્યપદ આપી શકાય છે, પરંતુ તેની સામે શરત એ મૂકવામાં આવી છે કે યુક્રેને પૂર્વીય ક્ષેત્રના ડોનબાસમાં તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચી લેવા પડશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ તાજેતરમાં મીડિયા સમક્ષ આ દરખાસ્તની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ઇતિહાસમાં પહેલીવાર યુએસ પક્ષે નાટો સભ્યપદના બદલામાં ડોનબાસ ખાલી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જોકે આ અંગે હજુ ચર્ચાઓ ચાલી રહી છે અને કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.
આ પ્રસ્તાવ બંને દેશો માટે તલવારની ધાર પર ચાલવા સમાન છે કારણ કે તે રશિયા અને યુક્રેન બંનેને એકસાથે ખુશ અને ગુસ્સે કરી શકે છે. રશિયા લાંબા સમયથી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ઔદ્યોગિક અને ખાણકામ ક્ષેત્ર ગણાતા ડોનબાસ (ડોનેટ્સક અને લુહાન્સ્ક) પર સંપૂર્ણ કબજો મેળવવા ઈચ્છતું હતું, તેથી જો યુક્રેન સૈનિકો પાછા ખેંચી લે તો તે રશિયાની જીત સમાન ગણાશે. બીજી તરફ, રશિયા હંમેશાં યુક્રેનના નાટો સભ્યપદનો કટ્ટર વિરોધ કરતું આવ્યું છે, જ્યારે યુક્રેન માટે નાટોનું કવચ એક સુરક્ષાની મોટી ગેરંટી છે. ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું છે કે જો યુક્રેન આ સોદો સ્વીકારે તો પણ તેનો અર્થ એ નથી કે રશિયા દ્વારા કબજે કરાયેલા પ્રદેશોને કાયદેસર માન્યતા આપી દેવામાં આવી છે.
સુરક્ષા ગેરંટીના મુદ્દે ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર કાગળ પર નહીં પરંતુ નાટોના 'કલમ 5' જેવી મજબૂત અને વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ઈચ્છે છે, જેના હેઠળ એક દેશ પર હુમલો એટલે બધા પર હુમલો ગણાય. જો કે, અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે ઇઝરાયલ જેવી દ્વિપક્ષીય સુરક્ષા ગેરંટી આપવા તૈયાર છે, પરંતુ યુક્રેનની ધરતી પર પોતાના સૈનિકો તૈનાત કરશે નહીં. આ અત્યંત સંવેદનશીલ અને દૂરગામી પરિણામો ધરાવતા નિર્ણયને એકલા હાથે લેવાને બદલે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એવો ર્નિણય લીધો છે કે જો સાથી દેશો તરફથી પૂરતી આર્થિક અને લશ્કરી સહાયની ખાતરી મળશે, તો આ ઐતિહાસિક કરાર સ્વીકારવો કે કેમ તેનો અંતિમ નિર્ણય દેશના લોકો પર જ છોડવામાં આવશે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
