News of Wednesday, 15th April 2026
તેહરાનમાં ટ્રમ્પનો દૂત: શું અસીમ મુનીર અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકી શકશે?
૨૧ એપ્રિલની ડેડલાઇન પહેલાં પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર ટ્રમ્પનો ગુપ્ત પ્રસ્તાવ લઈ ઈરાન પહોંચ્યા : ઇસ્લામાબાદમાં નિષ્ફળ રહેલી શાંતિ વાટાઘાટો હવે તેહરાનમાં નવા વળાંક સાથે ફરી શરૂ થવાના એંધાણ

નવી દિલ્હી: વિશ્વ જ્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે ઊભું છે, ત્યારે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર એક અત્યંત મહત્વપૂર્ણ મિશન પર તેહરાન પહોંચ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પનો ખાસ સંદેશ લઈને પહોંચેલા મુનીરનો હેતુ ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈને સીધી વાટાઘાટો માટે મનાવવાનો છે. ૨૧ એપ્રિલે યુદ્ધવિરામની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે, ત્યારે આ મુલાકાત મધ્ય પૂર્વના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
ઇસ્લામાબાદમાં પ્રથમ રાઉન્ડની બેઠક અનિર્ણિત રહ્યા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પુષ્ટિ આપી છે કે તેઓ બીજા રાઉન્ડની વાટાઘાટો માટે તૈયાર છે. ટ્રમ્પના 'ડીલ-મેકર' અભિગમ હેઠળ ઈરાનને આર્થિક પ્રતિબંધોમાં છૂટછાટ અને પ્રાદેશિક સુરક્ષાના બદલામાં પરમાણુ કાર્યક્રમ પર લગામ મૂકવાનો પ્રસ્તાવ અપાયો હોવાની ચર્ચા છે. જોકે, પાકિસ્તાન જેવા 'બિન-સંબંધિત' દેશમાં વાટાઘાટો કરવા સામે ટ્રમ્પે સવાલ ઉઠાવ્યા હોવા છતાં, હાલમાં ઇસ્લામાબાદ જ એકમાત્ર એવું કેન્દ્ર છે જ્યાં બંને કટ્ટર દુશ્મનો એક ટેબલ પર આવી શકે તેમ છે.
આર્મી ચીફ તરીકે મુનીરની આ પ્રથમ ઈરાન મુલાકાત છે, જે યુએસ અને ઈરાન વચ્ચેના ગજગ્રાહમાં પાકિસ્તાનની મધ્યસ્થી તરીકેની ભૂમિકાને મજબૂત બનાવે છે. ઈરાની મીડિયા મુજબ, તેહરાન આ પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે, પરંતુ શું મોજતબા ખામેનેઈ ટ્રમ્પની શરતોને માન્ય રાખશે કે ૨૧ એપ્રિલ બાદ ગલ્ફ પ્રદેશ ફરીથી રણમેદાનમાં ફેરવાશે? આ પ્રશ્ન અત્યારે સમગ્ર વૈશ્વિક રાજનીતિના કેન્દ્રમાં છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
