<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

ટ્રમ્પના 'ઉર્જા યુદ્ધવિરામ'ના દાવા માત્ર ૨૪ કલાકમાં જ પોકળ સાબિત થયા: રશિયાએ ખાર્કિવમાં યુક્રેનની ઉર્જા સુવિધાઓ પર કર્યો ભીષણ હુમલો!

યુએસ પ્રમુખે રશિયા અને યુક્રેન વચ્ચે વીજળી અને ઉર્જા માળખા પર હુમલા રોકવા માટે કરી હતી જાહેરાત: ઝેલેન્સકીએ સ્વાગત કર્યું છતાં રશિયા દ્વારા હુમલા યથાવત

કિવ : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સાડા ચાર વર્ષ લાંબા યુદ્ધને અટકાવવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા દાવાઓ અનેક સવાલોના ઘેરામાં આવ્યા છે. ટ્રમ્પે બંને દેશો વચ્ચે "ઉર્જા યુદ્ધવિરામ" (ઊર્જા સુવિધાઓ પર હુમલા બંધ કરવા) ની જાહેરાત કર્યાના માંડ ૨૪ કલાકની અંદર જ રશિયાએ આ કરારનો ભંગ કરીને યુક્રેનની મહત્વપૂર્ણ ઉર્જા સુવિધાઓ પર ફરીથી ઘાતક હુમલા શરૂ કરી દીધા છે. સોમવારે ઉત્તરપૂર્વીય યુક્રેનના ખાર્કિવ વિસ્તારમાં રશિયન દળોએ એક ઊર્જા સ્થાપન પર હુમલો કર્યો હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

 

ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે રશિયા અને યુક્રેન એકબીજાના ઊર્જા માળખા અને પાવર પ્લાન્ટ્સ પર હુમલા ન કરવા માટે તત્કાલિક અસરથી સંમત થયા છે. આ જાહેરાત બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રવિવારે આ પહેલનું સ્વાગત કરતા તેને સારા સમાચાર ગણાવ્યા હતા. જો કે, તેમણે સાથેસાથે એ પણ આશંકા વ્યક્ત કરી હતી કે રશિયા રાજધાની કિવ અને ખાર્કિવમાં વીજળી અને ઊર્જા સંસાધનોને સતત નિશાન બનાવી રહ્યું છે, અને સોમવારે આ વાત સાચી સાબિત થઈ જ્યારે ખાર્કિવની બહારના વિસ્તારમાં આવેલા ઊર્જા સંસ્થાન પર મિસાઈલ કે ડ્રોન હુમલો કરવામાં આવ્યો.

 

યુક્રેનિયન અધિકારીઓના જણાવ્યા મુજબ, રશિયાની આ રણનીતિને "શિયાળામાં શસ્ત્ર બનાવવું" કહેવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ શિયાળાની શરૂઆતમાં જ યુક્રેનની જનતાને વીજળી, ગરમી અને પાણીથી વંચિત કરીને તેમના મનોબળને તોડી નાખવાનો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ સંઘર્ષમાં રશિયાએ અગાઉ પણ અનેકવાર નાગરિક માળખાને નષ્ટ કર્યા છે. બીજી તરફ, યુક્રેન દ્વારા પણ રશિયાની અંદર સ્થિત તેલ રિફાઇનરીઓ અને ઉર્જા સ્થાપનોને લક્ષ્ય બનાવીને જવાબી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.

 

અમેરિકામાં યોજાનારી મધ્યવર્તી ચૂંટણીના માહોલ વચ્ચે ટ્રમ્પે અગાઉ પોતાના દેશમાં ડીઝલના ઊંચા ભાવ માટે યુક્રેનિયન નેતૃત્વને જવાબદાર ઠેરવ્યું હતું. મોસ્કો તરફથી આ કથિત "ઉર્જા યુદ્ધવિરામ" કરાર અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કે સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. ટ્રમ્પના દાવાઓ માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેમ યુક્રેનની ઉર્જા સુવિધાઓ પર થઈ રહેલા સતત હુમલાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થાપવાના પ્રયાસોને મોટો આંચકો આપ્યો છે.

(7:21 PM IST)