તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
ટ્રમ્પની આકરી ચેતવણીઃ જો યુદ્ધવિરામ તૂટયો, તો મોટો વિસ્ફોટ થશે
ઈરાનના પાગલ નેતૃત્વને સીધો પડકાર ફેંકતા કહ્યું: ‘અમારી સાથે રમત રમશો તો પસ્તાશો' હોર્મુઝમાં અમેરિકી યુદ્ધ જહાજો પર મિસાઈલ હુમલા બાદ ટ્રમ્પ આક્રમક મૂડમાં

વોશિંગ્ટન, તા.૮: મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અત્યાર સુધીની સૌથી કડક ચેતવણી આપી છે. લિંકન મેમોરિયલ પાસે મીડિયા સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન અને અમેરિકા વચ્ચેનો યુદ્ધવિરામ હજુ પણ અમલમાં છે, પરંતુ જો આ કરાર જરા પણ ભંગ થશે, તો તેના પરિણામો આખી દુનિયા જોશે. તેમણે અતિ આક્રમક શૈલીમાં કહ્યું કે જો યુદ્ધવિરામ તૂટશે તો તમારે કોઈને પૂછવાની જરૂર નહીં પડે, તમે બસ ઈરાનમાંથી પ્રકાશનો પર્વત (મોટો વિસ્ફોટ) ઉગતો જોશો. ટ્રમ્પે ઈરાનના નેતળત્વને પાગલ લોકો ગણાવીને તેમને કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી ન કરવા ચેતવ્યા છે.
આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે યુએસ સેન્ટ્રલ કમાન્ડ એ પુષ્ટિ કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં યુએસએસ ટ્રુક્સટન, યુએસએસ રાફેલ પેરાલ્ટા અને યુએસએસ મેસન જેવા ત્રણ શક્તિશાળી યુદ્ધ જહાજો પર ઈરાન દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જોકે, અમેરિકન સંરક્ષણ પ્રણાલીએ આ તમામ હુમલાઓને હવામાં જ તોડી પાડ્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ નાની કાર્યવાહીના જવાબમાં અમેરિકી સેનાએ જે વળતો પ્રહાર કર્યો તેમાં ઈરાની હુમલાખોરોને ભારે જાનમાલનું નુકસાન થયું છે અને તેમની અનેક ગન-બોટ સમુદ્રમાં ડૂબાડી દેવામાં આવી છે.
વર્તમાન પરિસ્થિતિ અંગે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે અમેરિકી જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટમાંથી બહાર નીકળી ગયા છે. તેમણે એમ પણ ઉમેર્યું કે ઈરાન સાથે સોદો થવાની શકયતા હજુ પણ છે, પરંતુ તે ઈરાનના વર્તન પર નિર્ભર કરે છે. ટ્રમ્પના આ આકરા તેવરથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા હવે રક્ષણાત્મક રહેવાને બદલે સીધો વળતો પ્રહાર કરવાની નીતિ અપનાવી રહ્યું છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
