હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પની ઈરાનને રોકડું પરખાવતી ચેતવણી: “તેહરાન અમને બ્લેકમેલ કરવાનું બંધ કરે, હોર્મુઝ પર દાદાગીરી નહીં ચાલે”, અમેરિકી પ્રસ્તાવ પર હવે દુનિયાની નજર!
ઈસ્લામાબાદ મંત્રણા બાદ પણ ગજગ્રાહ યથાવત: ઈરાન અમેરિકાની નવી શરતોની ‘સમીક્ષા’ કરી રહ્યું છે, ત્યારે IRGC એ હોર્મુઝ સ્ટ્રેટને ‘યથાસ્થિતિ’માં રાખી દરિયાઈ નાકાબંધી ચાલુ રાખવાની આપી ધમકી

તેહરાન | તા.18: પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસથી ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ જેવા વ્યૂહાત્મક જળમાર્ગને બંધ કરીને તેહરાન અમેરિકાને બ્લેકમેલ કરી શકશે નહીં. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનની મધ્યસ્થતા હેઠળ ચાલી રહેલી વાટાઘાટોમાં અમેરિકાએ ઈરાન સામે નવા પ્રસ્તાવો રજૂ કર્યા છે, જેના પર અત્યારે તેહરાનમાં વિચારણા ચાલી રહી છે.
ટ્રમ્પનો આક્રમક અંદાજ
શનિવારે વ્હાઇટ હાઉસના એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, "ઈરાન વર્ષોથી જે રીતે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકીઓ આપીને અમને બ્લેકમેલ કરવા માંગે છે, તે હવે ચાલશે નહીં. અમે તેમની સાથે વાતચીત કરી રહ્યા છીએ, પરંતુ અમારી શરતોમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં." ટ્રમ્પનું આ વલણ દર્શાવે છે કે અમેરિકા દરિયાઈ માર્ગો પર ઈરાનના પ્રભુત્વને તોડવા માટે મક્કમ છે.
ઈરાનનું વલણ: ‘સમાધાન નહીં, માત્ર સમીક્ષા’
બીજી તરફ, ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે તેઓ પાકિસ્તાની સેનાના કમાન્ડર દ્વારા રજૂ કરવામાં આવેલા અમેરિકી પ્રસ્તાવોની તપાસ કરી રહ્યા છે. જોકે, ઈરાને કડક શબ્દોમાં ઉમેર્યું છે કે તેમનું પ્રતિનિધિમંડળ દેશના હિતો સાથે કોઈ પણ પ્રકારની ‘ઉદારતા’ કે ‘પીછેહઠ’ કરશે નહીં. ઈરાની નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમના બંદરો પરની નાકાબંધી દૂર નહીં થાય, ત્યાં સુધી કોઈ સમજૂતી શક્ય નથી.
IRGC ની ધમકી અને ‘યથાસ્થિતિ’
ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આ મામલે તેલ રેડતા કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ હવે તેની ‘પાછલી સ્થિતિ’ એટલે કે નાકાબંધીની સ્થિતિમાં પરત ફર્યો છે. IRGC એ અમેરિકાની મજાક ઉડાવતા કહ્યું કે, "અમે તમને ચેતવણી આપી હતી કે જો અમારા જહાજોનો માર્ગ જોખમમાં મુકાશે તો અમે વિશ્વનો આ મહત્વપૂર્ણ જળમાર્ગ બંધ કરી દઈશું. હવે આ યથાસ્થિતિનો આનંદ માણો."
ભારત સહિત વિશ્વ માટે મોટું સંકટ
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના ક્રૂડ ઓઇલ પુરવઠા માટેની જીવનરેખા ગણાય છે. જો ટ્રમ્પના કડક વલણ અને ઈરાની જીદ વચ્ચે આ માર્ગ લાંબો સમય બંધ રહેશે, તો વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને પહોંચી શકે છે. ભારત જેવા દેશો, જે મોટા પ્રમાણમાં તેલ આયાત કરે છે, તેમના માટે આ સ્થિતિ આર્થિક પડકારો ઉભા કરી શકે છે.
હવે જોવાનું એ રહેશે કે ઈરાન અમેરિકાના પ્રસ્તાવનો શું જવાબ આપે છે અને શું આ દરિયાઈ ગતિરોધ શાંતિપૂર્ણ રીતે ઉકેલાશે કે પછી વિસ્ફોટક વળાંક લેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
