તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
ભારતીયોને ટ્રમ્પનો મસમોટો ફટકો: H-1B વિઝા પરના કડક નિયંત્રણો અને $100,000 ફી વધુ એક વર્ષ લંબાવાઈ
અમેરિકી પ્રમુખે એક્ઝિક્યુટિવ ઓર્ડર લંબાવતા હવે 21 સપ્ટેમ્બર 2027 સુધી ચૂકવવી પડશે તગડી ફી: IT ક્ષેત્રના ભારતીય પ્રોફેસનલ્સ અને ટેક કંપનીઓમાં ભારે ચિંતા

નવી દિલ્હી: અમેરિકામાં સ્થાયી થવા અને નોકરી કરવા માંગતા ભારતીય આઇટી પ્રોફેસનલ્સ તથા ટેકનોલોજી કંપનીઓને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બહુ મોટો આંચકો આપ્યો છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, પ્રમુખ ટ્રમ્પે H-1B નોન-ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરનારાઓ પર લાદવામાં આવેલી $100,000 (અંદાજે ₹83 લાખથી વધુ) ની તગડી ફીના એક્ઝિક્યુટિવ ઓર્ડરને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે. આ નિર્ણય બાદ હવે આ વધેલી ફીની જોગવાઈ 21 સપ્ટેમ્બર, 2027 સુધી અમલમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે H-1B વિઝા એ યુએસ આધારિત કંપનીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ નોન-ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ છે, જેના દ્વારા અમેરિકન કંપનીઓ IT, એન્જિનિયરિંગ, સંશોધન અને વિજ્ઞાન જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં ભારત અને ચીન જેવા દેશોમાંથી ઉચ્ચ કુશળ વિદેશી પ્રોફેસનલ્સને નોકરી પર રાખે છે. દર વર્ષે યુએસ સરકાર દ્વારા લોટરી સિસ્ટમ મારફતે કુલ 85,000 H-1B વિઝા જારી કરવામાં આવે છે, જેમાં ભારતીય આઇટી નિષ્ણાતોનો મોટો હિસ્સો હોય છે.
ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતથી જ H-1B વિઝા પ્રોગ્રામના કટ્ટર ટીકાકાર રહ્યા છે. તેમનો દાવો છે કે અમેરિકન કંપનીઓ સ્થાનિક વર્કર્સને બદલે ઓછા પગારે વિદેશી કામદારોને રાખવા માટે આ વિઝાનો ઉપયોગ કરે છે. તેના ભાગરૂપે સૌપ્રથમ સપ્ટેમ્બર 2025 માં $100,000 ફીનો પ્રારંભિક આદેશ જારી કરાયો હતો, જે આ મહિને પૂર્ણ થવાનો હતો. પરંતુ ટ્રમ્પે તેને ફરીથી લંબાવી દીધો છે.
જોકે, આ નીતિ સામે યુએસ કોર્ટમાં કાનૂની સંગ્રામ પણ ચાલી રહ્યો છે. બોસ્ટન સ્થિત અપીલ કોર્ટ જૂન મહિનાના એક ફેડરલ જજના ચુકાદાની સમીક્ષા કરી રહી છે, જેમાં ટ્રમ્પ વહીવટીતંત્રની આ ઊંચી ફી વસૂલાતને ગેરકાયદેસર જાહેર કરીને સરકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, યુએસ ચેમ્બર ઓફ કોમર્સ (અમેરિકી ટ્રેડ યુનિયનોનું સૌથી મોટું લોબિંગ ગ્રુપ) દ્વારા કરાયેલી અરજી અંગે પણ ન્યાયાલયમાં સુનાવણી ચાલી રહી છે.
વર્ષ 1990 માં યુએસ કોંગ્રેસ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા H-1B વિઝા ભારતીય આઇટી સેવાઓ આપતી કંપનીઓ (જેવી કે ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો) અને અમેરિકન ટેક જાયન્ટ્સ (જેવી કે ગૂગલ, માઇક્રોસોફ્ટ, મેટા) માટે ભારતમાંથી કૌશલ્યવાન એન્જિનિયરોની ભરતી કરવાનો મુખ્ય માર્ગ છે. વ્યવસાયિક જૂથોનું કહેવું છે કે ચોક્કસ ક્ષેત્રોમાં યોગ્ય લાયકાત ધરાવતા અમેરિકન ઉમેદવારોની ભારે અછત હોવાથી વિદેશી નિષ્ણાતોની ભરતી કરવી અનિવાર્ય છે.
પરંતુ, ટ્રમ્પ સરકારના આ નિર્ણયથી યુએસમાં નવો સબમિટ થનારો વિઝા ખર્ચ કરોડો રૂપિયા વધી જશે, જેના કારણે ભારતીય આઇટી વ્યાવસાયિકો માટે અમેરિકામાં નવી નોકરી મેળવવી વધુ મુશ્કેલ અને ખર્ચાળ બનશે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
