<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

ભારત સહિત 60 દેશોને ટ્રમ્પનો જોરદાર આંચકો: અમેરિકા ફરી વધારશે આયાત ટેરિફ : ગ્લોબલ ટ્રેડ વોરના મંડાણ!

ફોર્સ્ડ લેબર પર રોક લગાવવાના બહાને ટ્રમ્પે વૈશ્વિક સપ્લાય ચેઇન પર કસ્યો સકંજો : ભારતે યુએસ વાણિજ્ય વિભાગની તપાસ સામે ઉઠાવ્યો આકરો વાંધો

નવી દિલ્હી :  વૈશ્વિક વ્યાપાર જગતમાં ફરી એકવાર મોટી ખળભળાટ મચી ગઈ છે, કારણ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ભારત સહિત વિશ્વના આશરે 60 દેશોને એક મોટો આંચકો આપવાની તૈયારી કરી લીધી છે. અમેરિકાએ આ દેશોમાંથી આવતી નિકાસ પર નવા અને પાયમાલ કરનારા ટેરિફ (આયાત જકાત) લાદવાનો એક સનસનાટીભર્યો પ્રસ્તાવ મૂક્યો છે. વોશિંગ્ટનનો દાવો છે કે આ 60 દેશો વૈશ્વિક સપ્લાય ચેઇનમાં બળજબરીથી કે મજૂરોના શોષણ દ્વારા તૈયાર થતા માલસામાનને પ્રવેશતો અટકાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. આ ગંભીર ચિંતાઓને આગળ ધરીને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા નવી આયાત જકાત ઝીંકવાના પ્રસ્તાવ પર ત્રણ દિવસની હાઇ-લેવલ સુનાવણી પણ શરૂ કરી દેવામાં આવી છે, જે આગામી દિવસોમાં ભયંકર ગ્લોબલ ટ્રેડ વોરમાં પરિણમે તેવા સ્પષ્ટ સંકેતો છે.

અમેરિકાના આ આકરા આર્થિક પ્રહાર સામે ભારતે પણ બહુ જ આક્રમક વલણ અપનાવ્યું છે. નવી દિલ્હીએ યુએસ વાણિજ્ય વિભાગ અને યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) ના તમામ તારણો અને અહેવાલોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. ભારતીય વાણિજ્ય મંત્રાલયે આ કથિત તપાસ સામે ઉગ્ર વાંધો ઉઠાવતા અમેરિકાને આ એકતરફી તપાસ તાકીદે બંધ કરવાની કડક માંગ કરી છે. ભારતીય અધિકારીઓનું માનવું છે કે આવા પાયાવિહોણા બહાના હેઠળ ટેરિફ વધારવાનો આશય માત્ર સ્થાનિક અમેરિકી ઉદ્યોગોને કાયદાની બહાર જઈને ફાયદો પહોંચાડવાનો અને વિકાસશીલ દેશોના વેપારને નુકસાન પહોંચાડવાનો છે.

અત્રે નોંધનીય છે કે આ વિવાદાસ્પદ તપાસની શરૂઆત માર્ચ 2026 માં કરવામાં આવી હતી, જે અંતર્ગત એવી પરિસ્થિતિઓનો બારીકાઈથી અભ્યાસ કરવામાં આવ્યો હતો જ્યાં બળજબરીથી કરાવવામાં આવતી મજૂરી (ફોર્સ્ડ લેબર) દ્વારા બનતી સામગ્રીનો ઉપયોગ ઉત્પાદન પ્રક્રિયામાં સીધો થતો હોય. આ તપાસમાં એવા દેશોને પણ સકંજામાં લેવામાં આવ્યા છે જેઓ પોતાના દેશમાં આવી સામગ્રીની આયાત પર પ્રતિબંધ નથી મૂકતા અને બાદમાં તેમાંથી બનેલી ફાઇનલ પ્રોડક્ટ્સ અમેરિકામાં નિકાસ કરે છે. ટ્રમ્પ શાસનના આ સંભવિત 'ટેરિફ રાઉન્ડ' ને કારણે ભારતના કાપડ, જેમ્સ એન્ડ જ્વેલરી અને એન્જિનિયરિંગ સેક્ટર જેવા મોટા નિકાસ ઉદ્યોગો પર વિપરીત અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.

(9:12 PM IST)