<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

અમેરિકામાં ટ્રમ્પ પર થયેલા હુમલાથી ભારતીય રાજકારણમાં ગરમાવો: બિહારના વિપક્ષી નેતાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર જેવી હાઈ-પ્રોફાઇલ ઇવેન્ટમાં ગોળીબારની ઘટનાને આરજેડી અને કોંગ્રેસે લોકશાહી માટે કલંક સમાન ગણાવી: શક્તિશાળી દેશની સુરક્ષા ચૂક અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા તપાસની માંગ સાથે વૈશ્વિક શાંતિની અપીલ કરવામાં આવી

વોશિંગ્ટન : અમેરિકાના વોશિંગ્ટન ખાતે યોજાયેલા પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં થયેલા ગોળીબારના પડઘા ભારતીય રાજકારણમાં પણ જોરશોરથી પડી રહ્યા છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ આ ઘટના અંગે ઘેરા પ્રત્યાઘાતો આપતા જણાવ્યું હતું કે, લોકશાહીના મૂલ્યોમાં હિંસાને કોઈ સ્થાન નથી. અમેરિકા જેવા અત્યંત સુરક્ષિત અને શક્તિશાળી ગણાતા દેશમાં વ્હાઇટ હાઉસના કાર્યક્રમ દરમિયાન આવી અસુરક્ષિત સ્થિતિ સર્જાય તે અત્યંત આશ્ચર્યજનક બાબત છે, જેની ઉચ્ચ સ્તરીય તપાસ થવી અનિવાર્ય છે.

બિહાર કોંગ્રેસે પણ આ હિંસક હુમલાની સખત શબ્દોમાં નિંદા કરતા વૈચારિક મતભેદોને હિંસાથી ઉકેલવાની વૃત્તિ સામે લાલ આંખ કરી છે. પ્રદેશ પ્રવક્તા અસિત નાથ તિવારીએ ભારપૂર્વક કહ્યું કે, અસહમતિનો જવાબ તર્ક અને મંતવ્યોથી આપવો જોઈએ, ન કે ગોળીબારથી. શિવસેના (UBT) નેતા પ્રિયંકા ચતુર્વેદી દ્વારા અમેરિકા સંદર્ભે અપાયેલા વિવાદાસ્પદ નિવેદન સાથે અસંમતિ દર્શાવતા કોંગ્રેસે ઉમેર્યું હતું કે, પૃથ્વીના કોઈપણ ખૂણાને નર્ક કહેવાને બદલે ત્યાં શાંતિ જાળવવી એ માનવજાતની જવાબદારી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના વિવિધ રાજકીય પક્ષોએ ટ્રમ્પ પર થયેલા આ હુમલાને વખોડી કાઢ્યો છે. ભારતીય નેતાઓએ એકસૂરે સ્વીકાર્યું છે કે આવી ઘટનાઓ માત્ર એક વ્યક્તિ પરનો હુમલો નથી પરંતુ તે લોકતાંત્રિક પ્રણાલી પરનો પ્રહાર છે. હાલમાં અમેરિકી સત્તાધીશો આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ તપાસને વેગ આપી રહ્યા છે, ત્યારે ભારતના રાજકીય વર્તુળોમાં પણ આ ઘટનાને લઈને ચર્ચાઓનો દોર ચાલુ છે.

(1:21 PM IST)