<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

અમેરિકામાં ભારતીયોના વધતા વર્ચસ્વથી ટ્રમ્પ નારાજ! રશિયા-ઈરાન તેલ પ્રતિબંધ બિલ પાછળ ‘શ્વેત’ માનસિકતાનો ખેલ?

યુએસ કોંગ્રેસે ૧૦૦% ટેરિફ બિલ પસાર કરતા ભારત-ચીન પર સંકટ : ૫૨ લાખથી વધુ ભારતીયોએ અમેરિકાની આર્થિક-સામાજિક તાસીર બદલી નાખતાં ગોરાઓમાં રોષ

વોશિંગ્ટન:  અમેરિકામાં ભારતીય સમુદાયના સતત વધતા સામાજિક, આર્થિક અને રાજકીય પ્રભાવની વચ્ચે મજબૂત નીતિગત નિર્ણયો અને કડક આર્થિક પગલાંનો દોર શરૂ થયો છે. રશિયા અને ઈરાન પાસેથી તેલ ખરીદતા દેશો પર ૧૦૦% ટેરિફ લાદવા માટે યુએસ કોંગ્રેસના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ‘લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ ૨૦૨૬’ બિલ ૨૬૨-૧૫૯ ના મતોથી પસાર થઈ ગયું છે. આ બિલ સેનેટમાંથી અગાઉ જ પસાર થઈ ચૂક્યું હોવાથી હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર થતાં જ કાયદો બનશે, જેની સીધી અસર ભારત અને ચીન જેવા દેશો પર પડવાની શક્યતા છે.

રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, રશિયન અને ઈરાની તેલ પરના પ્રતિબંધો તો માત્ર એક બહાનું છે. વાસ્તવમાં પશ્ચિમી અને શ્વેત બહુમતી ધરાવતા દેશોમાં ભારતીય સહિતના દક્ષિણ એશિયાઈ (બ્રાઉન) લોકોની ઝડપથી વધતી વસ્તી અને સંસાધનો પર તેમની પકડ સ્થાનિક ગોરા સમુદાય માટે ચિંતાનો વિષય બની છે. ટેકનોલોજી, હેલ્થકેર, હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભારતીય કુશળ વ્યાવસાયિકોનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે, જે શ્વેત વસ્તી વિષયક ચિત્રને બદલી રહ્યું છે.

 વર્ષ ૨૦૦૦માં અમેરિકામાં ભારતીય-અમેરિકનોની વસ્તી અંદાજે ૧૮ લાખ હતી, જે વધીને ૫૨ લાખ  થઈ ગઈ છે. જેમાં નોન-રેસિડન્ટ ઈન્ડિયન્સ  નો આંકડો ૩૨ લાખ જેટલો છે.અમેરિકામાં ભારતીયો મેક્સિકન સમુદાય પછી બીજા ક્રમનું સૌથી મોટું વિદેશી જૂથ છે. કુલ વસ્તીના એક ટકાથી વધુ હિસ્સો ધરાવતા આ સમુદાયના ૭૭% થી ૮૨% લોકો સ્નાતક કે તેથી વધુ ઉચ્ચ શિક્ષણ ધરાવે છે અને તેમની સરેરાશ કૌટુંબિક આવક અમેરિકન સરેરાશ કરતાં ઘણી વધારે છે. કેલિફોર્નિયા, ટેક્સાસ, ન્યુ જર્સી અને ન્યુ યોર્ક જેવા વિસ્તારોમાં ‘લિટલ ઈન્ડિયા’ જેવા ઉપનગરો વિકસી રહ્યા છે, જે અમેરિકી ટેક્સ બેઝ અને સ્થાનિક અર્થતંત્રમાં સિંહફાળો આપી રહ્યા છે.

જોકે, એચ-૧બી (H-1B) વિઝાની અનિશ્ચિતતા અને કડક થતા વિઝા નિયમોને કારણે હાલમાં કેટલાંક ભારતીય વ્યાવસાયિકો સ્વદેશ પરત પણ ફરી રહ્યા છે. છતાં, અમેરિકી અર્થતંત્ર અને અગ્રણી ઉદ્યોગો પર ભારતીય નિષ્ણાતોની પકડ એટલી મજબૂત થઈ ચૂકી છે કે યુએસ પ્રશાસન અને રાજકારણીઓ માટે તેમને અવગણવા મુશ્કેલ બની રહ્યા છે.

(6:59 PM IST)