<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

કેનેડા મુદ્દે યુરોપને ટ્રમ્પની ત્રાડઃ ‘ખરાબ ઇરાદો હશે તો આકરા ટેરિફ ઝીંકીશું: કેનેડાને પ્રથમ ‘એસોસીએટ મેમ્બર’ બનાવવાની યુરોપીય સંઘની દરખાસ્તથી અમેરિકા ભડક્યું

ટ્રમ્પે કેનેડાના યુરોપીય સંઘ સાથે જોડાવાની સંભાવનાને હાસ્યાસ્પદ ગણાવી કહ્યું કે અમેરિકા યુરોપ સાથેના અનેક ક્ષેત્રોના વેપારને અટકાવવા સુધીના પગલાં લઈ શકે છે: જોકે તેમણે યુરોપ સાથેનો સમગ્ર વેપાર બંધ કરવાની સ્પષ્ટ જાહેરાત કરી નથી: પ્રસરી રહેલો ‘અમેરિકા યુરોપ સાથેનો વેપાર સંપૂર્ણ બંધ કરશે’ એવો દાવો ભ્રામક અને અધકચરો છે

વોશિંગ્ટન, તા. ૧૭ઃ કેનેડાને યુરોપીય સંઘનો પ્રથમ ‘સહયોગી સભ્ય’ ‘એસોસીએટ મેમ્બર’ બનાવવાની દરખાસ્ત સામે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સખત પ્રતિક્રિયા આપી છે. તેમણે આ પગલું અમેરિકા સામે દુર્ભાવનાપૂર્ણ હશે તો યુરોપ ઉપર ભારે ટેરિફ લાદવા અથવા કેટલાક ક્ષેત્રોમાં વેપાર અટકાવવાની ચેતવણી આપી છે. જોકે કેનેડાનું સભ્યપદ હજુ નક્કી થયું નથી અને તેના નિયમો પણ ઘડાયા નથી.

 

અમેરિકા અને તેના પરંપરાગત સાથી દેશો વચ્ચે વેપારયુદ્ધ વધુ ઉગ્ર બને તેવા સંકેતો વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીય સંઘને નવી ચેતવણી આપી છે. કેનેડાને યુરોપીય સંઘનો પ્રથમ ‘‘એસોસીએટ મેમ્બર’’ બનાવવાની દરખાસ્ત અંગે ટ્રમ્પે જણાવ્યું કે આ પગલાં પાછળનો ઇરાદો સારો હશે તો વાંધો નથી, પરંતુ અમેરિકા સામે ખરાબ ઇરાદો હશે તો યુરોપ ઉપર અત્યંત ભારે ટેરિફ લાદવામાં આવશે.

 

નોર્થ કેરોલિનાના શાર્લોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કેનેડાના યુરોપીય સંઘ સાથે જોડાવાની સંભાવનાને હાસ્યાસ્પદ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા યુરોપ સાથેના અનેક ક્ષેત્રોના વેપારને અટકાવવા સુધીના પગલાં લઈ શકે છે. જોકે તેમણે યુરોપ સાથેનો સમગ્ર વેપાર બંધ કરવાની સ્પષ્ટ જાહેરાત કરી નહોતી. તેથી પ્રસરી રહેલો ‘અમેરિકા યુરોપ સાથેનો વેપાર સંપૂર્ણ બંધ કરશે’ એવો દાવો ભ્રામક અને અધૂરો છે. 

 

યુરોપીય આયોગનાં પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને સ્ટ્રાસબર્ગમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની હાજરીમાં કેનેડાને પ્રથમ ‘‘એસોસીએટ મેમ્બર’’ બનાવવાનો માર્ગ ખોલવાની દરખાસ્ત મૂકી હતી. તેના દ્વારા વેપાર, સંરક્ષણ ઉત્પાદન, ઊર્જા, મહત્ત્વના ખનિજો, કૃત્રિમ બુદ્ધિમત્તા, સાઇબર સુરક્ષા, ક્વોન્ટમ ટેકનોલોજી અને આર્કટિક ક્ષેત્રમાં સહકાર વધારવાનો વિચાર છે.

 

આ દરખાસ્તનો અમલ કઈ રીતે થશે, કેનેડાને યુરોપીય બજારમાં કેટલો પ્રવેશ મળશે અને નાગરિકોને રહેવા તથા કામ કરવાની છૂટ મળશે કે કેમ તે હજી નક્કી નથી. કેનેડા પૂર્ણ સભ્યપદ માગતું નથી, પરંતુ પોતાની સાર્વભૌમતા જાળવીને યુરોપ સાથે શક્ય તેટલો ગાઢ સંબંધ ઇચ્છે છે. આગામી તા. ૨૯ અને ૩૦ ઓક્ટોબરે મોન્ટ્રિયલમાં યોજાનારી કેનેડા–યુરોપીય સંઘ શિખર બેઠકમાં તેની રૂપરેખા વધુ સ્પષ્ટ થઈ શકે છે. દરખાસ્તની વિગતો

(1:22 PM IST)