<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

ઈરાનનો સાત દિવસમાં હોર્મુઝ જળમાર્ગ ખોલવાનો શાંતિ પ્રસ્તાવ ટ્રમ્પે નકાર્યાનો અહેવાલ: તેહરાન સત્તાવાર અમેરિકી જવાબની રાહમાં: ફરી યુદ્ધના ઢોલ વાગવા લાગ્યા

તહેરાન: ઈરાને અમેરિકા સમક્ષ હોર્મુઝ જળમાર્ગ ફરી ખોલવા અને મધ્યપૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ રોકવા માટે સાત દિવસનો નક્કર પ્રસ્તાવ મૂક્યો છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાકચીએ જણાવ્યું કે અમેરિકા જરૂરી શરતો સ્વીકારે તો સાત દિવસમાં જળમાર્ગ સામાન્ય દરિયાઈ વ્યવહાર માટે ખોલી શકાય છે. પ્રસ્તાવ કતારના મધ્યસ્થીઓ મારફતે અમેરિકા સુધી પહોંચાડવામાં આવ્યો છે.

 

યોજનામાં અમેરિકાએ ઈરાની બંદરો ઉપરનો નૌકાકીય અવરોધ દૂર કરવો, ઈરાનની સ્થગિત સંપત્તિ મુક્ત કરવી અને તેના તેલના વેપાર ઉપરના પ્રતિબંધોમાં છૂટ આપવી પડશે. તેના બદલામાં ઈરાન હોર્મુઝ જળમાર્ગ ખોલવા તથા લેબનોન સહિત વિવિધ મોરચે ચાલી રહેલી લડાઈ રોકવા તૈયાર હોવાનું જણાવાયું છે. ત્યારબાદ બંને દેશો પરસ્પર સંમત વિષયો ઉપર વ્યાપક વાટાઘાટ શરૂ કરી શકે છે. તેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમનો મુદ્દો પણ સામેલ થઈ શકે છે.

 

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવ નકારી કાઢ્યો હોવાનો અહેવાલ સામે આવ્યો છે. જોકે ઈરાને કહ્યું છે કે તેને હજુ અમેરિકાનો સત્તાવાર જવાબ મળ્યો નથી અને તે વોશિંગ્ટનના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે. ટ્રમ્પને શંકા છે કે ઈરાન અમેરિકાની તમામ માગણીઓ સ્વીકારશે નહીં. તેમણે પોતાના સહયોગીઓ સમક્ષ ફરી બોમ્બમારો થવાની શક્યતા દર્શાવી હોવાનો પણ અહેવાલ છે.

 

ઈરાને પરમાણુ કાર્યક્રમ, યુરેનિયમ સંવર્ધન અને પોતાના સાર્વભૌમ અધિકારો અંગે કોઈ છૂટછાટ નહીં આપવાનો સંકેત આપ્યો છે. હોર્મુઝ જળમાર્ગ લાંબા સમયથી અવરોધિત રહેતાં વૈશ્વિક તેલ પુરવઠો અને અર્થતંત્ર ઉપર ગંભીર અસર પડી રહી છે.

(9:46 AM IST)