તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
ટેન્શન વચ્ચે ૯૦ દિવસમાં ટ્રમ્પે શેરબજારમાં કરી નાખ્યા ૩૭૦૦ સોદા
જાન્યુઆરીથી માર્ચ વચ્ચે થયેલા આ સોદાઓમાં ટ્રમ્પે સરેરાશ દરરોજ ૪૦ થી વધુ સોદા કર્યા હતા : આ પ્રકારના ખુલાસાઓએ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન તેમના વ્યાપારિક કરારોને લઈને લાંબા સમયથી ચાલી આવતી ટીકાઓએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું

વોશિંગ્ટન ડી.સી. તા.૧૮: ટ્રમ્પ અથવા તેમના સલાહકારો દ્વારા વર્ષ ૨૦૨૬ ના શરૂઆતના ત્રણ મહિનામાં જ ૩,૭૦૦ થી વધુ સ્ટોક ટ્રેડ (શેરબજારના સોદા) કરવામાં આવ્યા છે અને આના કારણે જ તેઓ તપાસના દાયરામાં છે. આ ટ્રેડિગ પ્રવૃત્તિઓ બજારના દિગ્ગજો માટે પણ ચોંકાવનારી છે.
આ વર્ષના શરૂઆતના ત્રણ મહિનામાં અમેરિકાની કેટલીક સૌથી મોટી આઈટી-ટેક (IT-Tech), ફાઇનાન્સ, એરોસ્પેસ અને મીડિયા કંપનીઓમાં કરોડો ડોલરના સોદા થયા છે. આમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે થયેલા આ સોદાઓમાં ટ્રમ્પે સરેરાશ દરરોજ ૪૦ થી વધુ સોદા કર્યા હતા.
અહેવાલમાં થયેલા ખુલાસામાં બહાર આવ્યું છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ અથવા તેમના સલાહકારોએ આ ત્રણ મહિનામાં જ ૩,૭૦૦થી વધુ સ્ટોક ટ્રેડ (શેરબજારના સોદા) કર્યા છે. આ અગાઉના ક્વાર્ટર (ત્રિમાસિક ગાળા) ની સરખામણીમાં એક નાટકીય ઉછાળો હતો, જ્યારે ૨૦૨૫ ના છેલ્લા ત્રણ મહિના દરમિયાન માત્ર ૩૮૦ સોદા સામે આવ્યા હતા.
ખુલાસાઓ પરથી જાણવા મળ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતના ક્વાર્ટર (ત્રિમાસિક ગાળા) દરમિયાન NVIDIA, Oracle, Microsoft, Boeing અને Costcં સહિત અન્ય કંપનીઓમાં પ્રત્યેકમાં ઓછામાં ઓછા ૧ મિલિયન ડોલર (૧૦ લાખ ડોલર)ની કિમતના શેર ખરીદ્યા હતા.
આ પ્રકારના ખુલાસાઓએ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન તેમના વ્યાપારિક કરારોને લઈને લાંબા સમયથી ચાલી આવતી ટીકાઓએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, જે કંપનીઓના સ્ટોક ટ્રેડ (સોદા) થયા છે, તેમાંથી ઘણી કંપનીઓ એવા સેક્ટર્સ (ક્ષેત્રો) માં કામ કરે છે જે સીધી રીતે અમેરિકન સરકારની નીતિઓ, નિયમો અને જીઓ-પોલિટિકલ (ભૂ-રાજકીય) નિર્ણયોથી પ્રભાવિત થાય છે.
આ તાજેતરના નાણાકીય ખુલાસા તેલ (ઓઇલ) અને સ્ટોક ફયુચર્સ માર્કેટમાં અસામાન્ય ટ્રેડિગ પ્રવૃત્તિના થોડા મહિનાઓ પછી જ સામે આવ્યા છે. આ પહેલા અમેરિકન ટ્રેડર્સે કથિત રીતે ઘટતી ઓઇલની કિંમતો અને વધતા અમેરિકન શેરબજાર પર મોટો દાવ લગાવ્યો હતો, બરાબર એ જ સમયે જ્યારે ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ વાટાઘાટોમાં પ્રગતિના સંકેત આપતા નિવેદનો આપ્યા હતા. જેના તુરંત બાદ ઓઇલની કિમતો ક્રેશ થઈ ગઈ (ગગડી ગઈ) હતી અને યુએસ સ્ટોક માર્કેટમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.
જોકે, આ પ્રકારના ખુલાસાઓને લઈને અમેરિકી વ્હાઇટ હાઉસે કોઈપણ પ્રકારની ગેરરીતિના આરોપોને ફગાવી દીધા છે
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
