તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય: STEM કોર્સીસમાં વિદેશી વિદ્યાર્થીઓ પર નિર્ભરતા અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો પડકાર!
વ્હાઇટ હાઉસના 'સાયન્સ: અ ન્યૂ ગોલ્ડન એજ' રિપોર્ટમાં દાવો: વિદેશી સ્પર્ધકો યુએસ શિક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને સંશોધન નેટવર્કમાં ઘૂસણખોરી કરે છે

રાજકોટ, તા.૨૨: યુનાઇટેડ સ્ટેટ્સમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા લાખો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે STEM કાર્યક્રમોમાં વિદેશી વિદ્યાર્થીઓ પર અમેરિકાની અતિશય નિર્ભરતાને દેશની 'રાષ્ટ્રીય સુરક્ષા' માટે મોટો પડકાર ગણાવ્યો છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા "સાયન્સ: અ ન્યૂ ગોલ્ડન એજ" (Science: A New Golden Age) નામના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે વિદેશી સ્પર્ધક દેશો અમેરિકી શિક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને દેશના સંશોધન અને નવીનતા (Invention) ના પાયામાં સેંઘ મારી રહ્યા છે.
વિદેશી પ્રતિભા પર વધુ પડતી નિર્ભરતાથી સ્થાનિક યુવાનો વંચિત
અહેવાલમાં સત્તાવાર આંકડા રજૂ કરતા જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૪ માં કમ્પ્યુટર સાયન્સ અને ગણિત જેવા મહત્વપૂર્ણ વિષયોમાં યુએસ ડોક્ટરલ (Ph.D.) પૂર્ણ કરનારા સ્નાતકોમાંથી લગભગ અડધા (૫૦%) ખેલાડીઓ કામચલાઉ વિઝા (Temporary Visa) ધારકો હતા. વ્હાઇટ હાઉસે દાવો કર્યો છે કે, "દશકોથી અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓના મોટા સમૂહને ફંડિંગ પૂરું પાડ્યું છે અને નબળા સુરક્ષા ધોરણો હેઠળ ટેકનોલોજી ટ્રાન્સફર સહન કર્યું છે. વિદેશી પ્રતિભા પરની આ નિર્ભરતાને કારણે અમેરિકાના પોતાના સ્થાનિક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે."
તાલીમ અમેરિકા આપે છે, પણ લાભ વિદેશી સરકારો લઈ જાય છે
રિપોર્ટમાં વધુમાં દલીલ કરવામાં આવી છે કે અમેરિકા પોતાના ભારે ખર્ચે આંતરરાષ્ટ્રીય સંશોધકોને અદ્યતન તાલીમ આપે છે, પરંતુ જ્યારે તેઓ અભ્યાસ પૂરો કરીને દેશ છોડી દે છે, ત્યારે તેનો સીધો લાભ તેમની માતૃભૂમિ અથવા વિદેશી સરકારો પોતાના તકનીકી સાહસો મજબૂત કરવા માટે ઉઠાવે છે. છેલ્લા ચાર દાયકામાં કામચલાઉ વિઝા ધારકોને આપવામાં આવતી યુએસ રિસર્ચ ડોક્ટરેટનું પ્રમાણ ૨૦% થી વધીને ૪૦% થઈ ગયું છે.
ભારતીય વિદ્યાર્થીઓ પર શું થશે અસર?
જોકે આ રિપોર્ટમાં ભારત, ભારતીય વિદ્યાર્થીઓ કે તેમના વિઝા નિયમોમાં કોઈ તાત્કાલિક ફેરફારનો પ્રત્યક્ષ ઉલ્લેખ નથી, કે નથી તો કોઈ રાષ્ટ્રીયતા-આધારિત પ્રતિબંધોની ભલામણ કરાઈ. છતાં, અમેરિકાના સ્નાતક કક્ષાના STEM કાર્યક્રમોમાં ભારતીય વિદ્યાર્થીઓની વિપુલ સંખ્યા હોવાથી આ તારણો તેમના માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભવિષ્યમાં ફેડરલ ફંડિંગ ધરાવતા પ્રોજેક્ટ્સ અને રિસર્ચ સિક્યોરિટીના નિયમો કડક બનાવવામાં આવે તો તેની પરોક્ષ અસર ભારતીય સંશોધકો પર પડી શકે છે.
હવે અમેરિકા પોતાના સ્થાનિક યુવાનોને કરશે મજબૂત
આ પડકાર સામે ટ્રમ્પ વહીવટીતંત્રે હવે પોતાનું ધ્યાન સ્થાનિક અમેરિકન વૈજ્ઞાનિક કાર્યબળ (Domestic Workforce) તૈયાર કરવા પર કેન્દ્રિત કર્યું છે. તે માટે દેશભરની શાળાઓમાં એડવાન્સ્ડ ગણિત અને સાયન્સના કાર્યક્રમો મજબૂત કરવા, ટેકનિકલ તાલીમ, એપ્રેન્ટિસશીપ અને સ્થાનિક સ્નાતકો માટે સ્કોલરશિપ તેમ જ સંશોધન સહાય વધારવાની જોરદાર ભલામણ કરવામાં આવી છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
