<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

ગ્રીન કાર્ડ માટે દેશ છોડવાની નીતિ મામલે ટ્રમ્‍પ સરકારની સ્‍પષ્ટતા

H1B, સ્‍કિલ્‍ડ વર્કર્સને USમાં રહી ગ્રીન કાર્ડની અરજી કરવા છૂટ અપાશે

નવી દિલ્‍હી,તા.૨૬: ગ્રીન કાર્ડ માટે અરજી કરવા માટે વિદેશી વસાહતીઓને અમેરિકા છોડવા અંગેની ટ્રમ્‍પ સરકારની નવી નીતિને પગલે ભારે હોબાળો મચ્‍યા બાદ યુએસ સિટીઝનશિપ એન્‍ડ ઈમિગ્રેશન (યુએસસીઆઈએસ)એ આ મામલે સ્‍પષ્ટતા કરવાની ફરજ પડી છે. અમેરિકન ઈમિગ્રેશન વિભાગના પ્રવક્‍તાના જણાવ્‍યાં અનુસાર, અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં હોય તેવાં ઘણાં એચ-૧બી વિઝાધારકો અને સ્‍કીલ્‍ડ વર્કર્સ જેવા અરજદારોને અમેરિકામાં રહીને પણ તેમનું સ્‍ટેટસ એડજસ્‍ટ કરવાની મંજૂરી અપાશે.

ઉલ્‍લેખનીય છે કે, ટ્રમ્‍પ સરકારે ગત સપ્તાહે ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્‍છતા લોકો માટે એક નવું તુઘલખી ફરમાન જારી કર્યું હતું. જે મુજબ, ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્‍છતા વિદેશી વસાહતીઓએ અમેરિકા છોડી પોતાના દેશમાં જવું પડશે અને ત્‍યાંથી જ ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની રહેશે. આ નવા નિર્ણયથી અમેરિકામાં કાયમી વસવાટ માટે વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલાં હજારો ભારતીયોની ચિતામાં વધારો થયો હતો.

યુએસસીઆઈએસે કરેલી સ્‍પષ્ટતા અનુસાર, આ નીતિ ઈમિગ્રેશન સ્‍ટેટસમાં બદલાવ અંગેના સંસદના અર્થઘટનનો માત્ર પુનરોચ્‍ચાર કરે છે. અહેવાલ અનુસાર, હોમલેન્‍ડ સિક્‍યુરિટી વિભાગના જણાવ્‍યાં અનુસાર, એચ-૧બી વિઝાધારકો તેમની વર્તમાન પ્રક્રિયાને ચાલુ રાખી શકશે.

 

(10:36 AM IST)