તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
ટ્રમ્પનો ધડાકો: "યુક્રેનને નવો રાષ્ટ્રપતિ મળવો જોઈએ", રશિયા સાથેના કરારનો વિરોધ કરતા ઝેલેન્સકી પર સખત પ્રહારો
રશિયા-અમેરિકા વચ્ચેના ડીઝલ સોદાની ઝેલેન્સકીએ ટીકા કર્યા બાદ વ્હાઇટ હાઉસથી ટ્રમ્પનો પલટવાર

વોશિંગ્ટન : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનમાં નવા રાષ્ટ્રપતિની પસંદગી કરવાનો સમય આવી ગયો હોવાનું જણાવી ભારે સળવળાટ મચાવી દીધો છે. શનિવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીતમાં તેમણે રશિયા સાથેના યુદ્ધનો અંત લાવવામાં વર્તમાન નેતા વોલોડિમીર ઝેલેન્સકીની અસમર્થતાનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે સ્પષ્ટપણે સૂચન કર્યું કે યુક્રેને હવે એવા નવા નેતા ચૂંટવા જોઈએ જે કરાર સુધી પહોંચી શકે. તેમણે ઉમેર્યું હતું કે જો તેઓ ૨૦૨૨ માં દેશના પ્રમુખ હોત, તો આ યુદ્ધ ક્યારેય શરૂ જ ન થયું હોત.
આ શાબ્દિક પ્રહારો પાછળ અમેરિકા અને રશિયા વચ્ચે થયેલો મોટો ડીઝલ સોદો જવાબદાર છે. મધ્યસત્ર ચૂંટણીઓ પહેલાં દેશમાં ઉર્જાના ભાવ ઘટાડવાના હેતુથી ટ્રમ્પે મોસ્કો પર યુદ્ધ સંબંધિત પ્રતિબંધો હળવા કરીને આ કરાર કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત બાદ રશિયા તાત્કાલિક અમેરિકા અને વૈશ્વિક બજારોને ૩૦૦,૦૦૦ ટનથી વધુ ડીઝલ ઇંધણ સપ્લાય કરશે, તેમજ નવેમ્બરમાં ૫૦૦,૦૦૦ ટન અને ત્યારબાદ ૧ મિલિયન ટન સપ્લાય કરવાનું વચન આપ્યું છે.
જોકે, ઝેલેન્સકીએ યુએસ-રશિયા વચ્ચેના આ ડીઝલ સોદાને સાથીઓ સાથે "અન્યાયી અને નબળો નિર્ણય" ગણાવીને આકરી ટીકા કરી હતી. સોશિયલ મીડિયા પર ઝેલેન્સકીએ આરોપ લગાવ્યો હતો કે પ્રતિબંધો હટાવવાના બદલામાં રશિયાએ ઝાપોરિઝ્ઝિયાના રહેણાંક વિસ્તારો પર પાંચ ગ્લાઇડ બોમ્બ ફેંકીને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. ઝેલેન્સકીના આ નિવેદનથી નારાજ થઈ ટ્રમ્પે વળતો પ્રહાર કરતા કહ્યું કે ઝેલેન્સકીની અક્ષમતાને કારણે યુક્રેને ૩૦% વિસ્તાર ગુમાવ્યો, ૨ મિલિયનથી વધુ લોકો માર્યા ગયા અને લાખો લોકો સ્થળાંતરિત થયા છે.
ઉલ્લેખનીય છે કે, ફ્રેબુઆરી ૨૦૨૨ થી શરૂ થયેલા રશિયા-યુક્રેન સંઘર્ષમાં અમેરિકાની નીતિમાં આ મોટો બદલાવ વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી રહ્યો છે. આ અગાઉ બાઇડેન પ્રશાસન રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો મૂકીને યુક્રેનને સતત લશ્કરી સહાય આપતું હતું. હવે ટ્રમ્પના આ વલણથી યુક્રેન અને યુએસ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં વધુ ખટાશ આવી છે અને આગામી દિવસોમાં આ વિવાદ આંતરરાષ્ટ્રીય કૂટનીતિ પર ગંભીર અસરો છોડશે.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
