<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા પાકિસ્તાનને પ્રોત્સાહન અમેરિકા માટે આત્મઘાતી સાબિત થશે: ગંભીર ચેતવણી

ઇતિહાસની ભૂલોમાંથી પાઠ ન શીખીને વોશિંગ્ટન ફરી ઇસ્લામાબાદના સૈન્ય શાસકોના ખોળામાં બેસશે તો દક્ષિણ એશિયા સહિત સમગ્ર વિશ્વએ ૧૧ સપ્ટેમ્બર જેવા ભયાનક પરિણામો ભોગવવા પડશે

તેલ અવીવ:  આંતરરાષ્ટ્રીય ભૂરાજકીય મંચ પર પાકિસ્તાનના વ્યૂહાત્મક સ્થાનનો દુરુપયોગ અને તેના કારણે વૈશ્વિક સત્તાઓ દ્વારા તેને અપાતા પ્રોત્સાહન સામે એક અત્યંત ગંભીર અહેવાલ સામે આવ્યો છે. ઇટાલિયન રાજકીય સલાહકાર અને નિષ્ણાત સર્જિયો રેસ્ટેલીએ 'ટાઇમ્સ ઓફ ઇઝરાયલ'માં લખેલા આક્રમક લેખમાં ચેતવણી આપી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા પાકિસ્તાનની સૈન્ય સરકાર પ્રત્યે નરમ વલણ અપનાવવું અમેરિકા માટે ભારે નુકસાનકારક સાબિત થશે. ઇતિહાસ સાક્ષી છે કે સ્થાનિક શાસનમાં સંપૂર્ણ નિષ્ફળ હોવા છતાં, માત્ર ભૌગોલિક સ્થિતિના કારણે ઇસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય દબાણમાંથી બચી જાય છે. યુરોપિયન યુનિયન દ્વારા માનવાધિકારના ધજાગરા ઉડાવતા પાકિસ્તાનને GSP-પ્લસનો દરજ્જો ચાલુ રાખવો તે પશ્ચિમી દેશોની દૂષિત નીતિ દર્શાવે છે.

લેખમાં ભૂતકાળની ભયાનક કડીઓ જોડતા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વર્ષ ૧૯૭૯માં અમેરિકા અને સાઉદી અરેબિયાએ તત્કાલીન પાકિસ્તાની જનરલ ઝિયા-ઉલ-હકનો ઉપયોગ કરીને સોવિયેત યુનિયન સામે પ્રોક્સી વૉર શરૂ કર્યું હતું. ત્યારપછીના દાયકાઓમાં પાકિસ્તાને ડબલ ગેમ રમીને આતંકવાદની જે ફેક્ટરીઓ ઉભી કરી, તેનું જ અંતિમ પરિણામ અમેરિકા પર થયેલો ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧નો આતંકવાદી હુમલો હતો. આટલું ઓછું હોય તેમ, વોશિંગ્ટનની ઇસ્લામાબાદ પરની આંધળી નિર્ભરતાને કારણે આખરે કાબુલ તાલિબાનના હાથમાં સોંપવું પડ્યું. વર્તમાન સમયમાં પણ પાકિસ્તાન અફઘાન સરહદ પર સશસ્ત્ર અથડામણો વધારીને પ્રાદેશિક શાંતિને જોખમમાં મૂકી રહ્યું છે.

પાકિસ્તાનની આંતરિક સ્થિતિ હાલ સદંતર લોકશાહીના પતન અને લશ્કરી સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહી છે, જ્યાં આર્મી ચીફ અસીમ મુનીરના નેતૃત્વમાં સૈન્ય જ વાસ્તવિક સત્તા ભોગવી રહ્યું છે. બલુચિસ્તાન પ્રાંતમાં સેના દ્વારા માનવાધિકાર કાર્યકર્તા મેહરંગ બલુચ સહિતના શાંતિપૂર્ણ અવાજોને કચડી નાખવામાં આવી રહ્યા છે, જેના કારણે લઘુમતીઓમાં ભારે આક્રોશ છે. નિષ્ણાતોના મતે, જો ટ્રમ્પ વહીવટીતંત્ર પાકિસ્તાનની આ મિલિટરી બળવાખોરી અને લોકશાહીના ચીરહરણ પર રાજદ્વારી પડદો પાડી તેને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે, તો દક્ષિણ એશિયામાં એક નવી કટ્ટરપંથી સરમુખત્યારશાહીનો જન્મ થશે જે આખા વિશ્વ માટે મોંઘી પડશે.

(9:03 PM IST)