<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

વિદેશી દારૂ ભરેલી ટ્રક પલટી જતા બોટલ લૂંટવા માટે પડાપડી

બિહારના અરરિયા જિલ્‍લામાં દારૂબંધીના ધજાગરા

અરરિયા તા.૩: બિહારના અરરિયા જિલ્‍લામાં દારૂબંધીની વચ્‍ચે વિદેશી દારૂથી ભરેલી એક ટ્રક દુર્ઘટનાગ્રસ્‍ત થઈ ગઈ. ટ્રક પલટી જતાં ઘટનાસ્‍થળે આજુબાજુના ગામના લોકો તૂટી પડ્‍યા અને જોતજોતામાં ટ્રકમાંથી દારૂ લૂંટવા માટે પડાપડી થઈ ગઈ. આ ઘટના રાનીગંજ વિસ્‍તારના ખરહટ નજીક ટોલ ટેક્‍સ પાસે થઈ હતી.

જાણકારી અનુસાર, વિદેશી દારૂથી ભરેલી ટ્રક ખરહટ નજીક ટોલ પ્‍લાઝા પાસે દુર્ઘટનાગ્રસ્‍ત થઈ ગઈ હતી. દુર્ઘટના બાદ ટ્રકનો ડ્રાઇવર અને ખલાસી બંને ત્‍યાંથી ભાગી ગયા હતા. ત્‍યાર બાદ આજુબાજુના ગ્રામીણ લોકો દુર્ઘટનાગ્રસ્‍ત ટ્રક નજીક પહોંચ્‍યા. ઘટના સાથે જોડાયેલી તસવીરો અને વીડિયોમાં ગ્રામીણ લોકો ટ્રકમાંથી દારૂની બોટલ કાઢતા જોઈ શકાય છે. ઘટનાસ્‍થળ પર થોડી વારમાં જ મોટી સંખ્‍યામાં ભીડ એકઠી થઈ ગઈ. દારૂની બોટલો લેવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી.

આ ઘટનાની જાણ થતાં જ રાનીગંજ પોલીસ ઘટનાસ્‍થળે દોડી આવી. પોલીસે દુર્ઘટનાગ્રસ્‍ત ટ્રક જપ્ત કરી લીધો છે. અરરિયાના SDPO સુશીલ કુમારે જણાવ્‍યું કે, ટ્રકમાં દારૂ હોવાની જાણકારી સામે આવી છે. પોલીસ વાયરલ તસવીર અને વીડિયોના આધાર પર દારૂ લૂંટી જનારા લોકોની ઓળખ કરી રહી છે. પોલીસ કહી રહી છે કે દારૂ લૂંટનારા લોકોની ઓળખ થઈ રહી છે અને તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે દારૂથી ભરેલી ટ્રક ક્‍યાંથી આવી અને ક્‍યાં જઈ રહી હતી.

બિહારમાં દારૂબંધી લાગુ હોવા છતાં દારૂની મોટી ખેપ રોડ માર્ગથી પરિવહન અને દુર્ઘટના બાદ ગ્રામીણો દ્વારા દારૂની બોટલ લૂંટવાની ઘટના કેટલાય સવાલો ઊભા કરે છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે અને વીડિયોના આધાર પર કાર્યવાહી થઈ રહી છે

(10:04 AM IST)