<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

માત્ર એક વોટથી જીત્યા બાદ TVK ના ધારાસભ્ય સેતુપતિ માટે મુશ્કેલી: હવે સુપ્રીમ કોર્ટ આ ઐતિહાસિક વિવાદ ઉકેલશે

માત્ર 1 વોટથી જીતેલા શ્રીનિવાસ સેતુપતિ પર હાઈકોર્ટની રોક: ફ્લોર ટેસ્ટમાં મતદાન ન કરવાના આદેશ સામે સર્વોચ્ચ અદાલતમાં ધા :અભિષેક મનુ સિંઘવીની દલીલો તેમને ન્યાય અપાવશે કે કેમ, તે જાણવું રસપ્રદ રહેશે.

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો બાદ તિરુપ્પત્તુર બેઠક પરનો વિવાદ હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો છે. તમિઝગા વેટ્ટ્રી કઝગમ (TVK) ના ધારાસભ્ય આર. શ્રીનિવાસ સેતુપતિ એ મદ્રાસ હાઈકોર્ટના તે આદેશને પડકાર્યો છે, જેમાં તેમને ફ્લોર ટેસ્ટ દરમિયાન મતદાન કરતા અટકાવવામાં આવ્યા છે.

શિવગંગા જિલ્લાની તિરુપ્પત્તુર બેઠક પર TVK ના સેતુપતિએ સત્તારૂઢ DMK ના દિગ્ગજ નેતા પેરીયાકરૂપ્પનને માત્ર 1 મતના અંતરથી હરાવ્યા હતા. સેતુપતિને 83,365 મતો મળ્યા હતા, જ્યારે પેરીયાકરૂપ્પનને 83,364 મતો મળ્યા હતા. આ મામૂલી અંતર બાદ DMK નેતાએ પુનઃમતગણતરી ની માંગ સાથે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

 

મદ્રાસ હાઈકોર્ટે પોસ્ટલ બેલેટ સહિતના તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવા આદેશ આપ્યો છે. મહત્વની વાત એ છે કે, કોર્ટે સેતુપતિની જીત રદ નથી કરી, પરંતુ જ્યાં સુધી મુખ્ય અરજી પર સુનાવણી ન થાય ત્યાં સુધી તેમને વિધાનસભામાં કોઈપણ ફ્લોર ટેસ્ટમાં વોટ આપતા રોકી દીધા છે. હાઈકોર્ટમાં આ મામલે 20 મેના રોજ સુનાવણી થવાની છે.

 

સેતુપતિ વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેંચ સમક્ષ તાકીદની સુનાવણીની માંગ કરી હતી. સિંઘવીએ દલીલ કરી હતી કે ધારાસભ્યને વોટિંગ કરતા અટકાવવા એ લોકશાહી પ્રક્રિયામાં અવરોધ સમાન છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર આવતીકાલે સુનાવણી કરવાની સંમતિ આપી છે.

(11:01 PM IST)