<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ભારતીય પ્રવાસીઓ માટે હવે દક્ષિણ-પૂર્વ એશિયાની સફર બનશે વધુ યાદગાર: મેક માય ટ્રિપ અને વિયેટ ટ્રાવેલ વચ્ચે મજબૂત ભાગીદારી

વિયેટનામ બાદ હવે કંબોડિયા અને લાઓસના સાંસ્કૃતિક વારસાને માણવાની મળશે તક: નવા પેકેજીસમાં સ્થાનિક ભોજન, ઈતિહાસ અને અનોખા અનુભવો પર અપાશે ભાર

નવી દિલ્હી: ભારતીય પ્રવાસીઓમાં વિદેશ ભ્રમણનો ક્રેઝ સતત વધી રહ્યો છે, ત્યારે ભારતની અગ્રણી ટ્રાવેલ કંપની 'મેક માય ટ્રિપ' (MakeMyTrip) એ પ્રવાસીઓ માટે નવી ભેટ રજૂ કરી છે. કંપનીએ વિયેટનામની દિગ્ગજ ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપની 'વિયેટ ટ્રાવેલ' (Vietravel) સાથે તેના કરારને વિસ્તાર્યો છે. આ નવી સમજૂતી હેઠળ, હવે ભારતીય પ્રવાસીઓને વિયેટનામની સાથે સાથે કંબોડિયા અને લાઓસના અદભૂત પ્રવાસન સ્થળોના વિશેષ પેકેજ અને સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય પ્રવાસીઓને માત્ર પર્યટન સ્થળો બતાવવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમને ત્યાંની સ્થાનિક સંસ્કૃતિ, પરંપરાગત ભોજન, ભવ્ય વારસો અને ઐતિહાસિક ગાથાઓનો ઊંડો અનુભવ કરાવવાનો છે. 'મેક માય ટ્રિપ' ના હોલિડેઝ એન્ડ એક્સપિરિયન્સના ચીફ બિઝનેસ ઓફિસર જસમીત સિંહે જણાવ્યું હતું કે, "ભારતીય પ્રવાસીઓ હવે એવી રજાઓ પસંદ કરી રહ્યા છે જ્યાં તેમને માત્ર જોવાલાયક સ્થળો જ નહીં, પણ ત્યાંની વાસ્તવિક જીવનશૈલીનો અનુભવ મળે. વિયેટ ટ્રાવેલ સાથેની આ ભાગીદારી અમને મલ્ટી-કન્ટ્રી (બહુ-દેશીય) પ્રવાસના શાનદાર આયોજનમાં મદદ કરશે."
વિયેટનામ પહેલેથી જ ભારતીયોનું મનપસંદ સ્થળ રહ્યું છે, જેનું મુખ્ય કારણ ડાયરેક્ટ ફ્લાઈટ કનેક્ટિવિટી અને સરળ ઈ-વિઝા પ્રક્રિયા છે. હવે આ સર્કિટમાં કંબોડિયા અને લાઓસના જોડાવાથી પ્રવાસીઓ એક જ ટ્રીપમાં દક્ષિણ-પૂર્વ એશિયાના આ ત્રણેય સુંદર દેશોની સફર કરી શકશે. વિયેટ ટ્રાવેલ છેલ્લા ત્રણ દાયકાથી આ ક્ષેત્રમાં સક્રિય છે અને તેમની પાસે સ્થાનિક સ્તરે બહોળું નેટવર્ક છે, જેનો સીધો લાભ ભારતીય પ્રવાસીઓને મળશે.
વિયેટ ટ્રાવેલના ડેપ્યુટી ડાયરેક્ટર એનગો મિન્હ ક્વાને જણાવ્યું કે, વિયેટનામના વૈશ્વિક વિકાસમાં ભારત એક અત્યંત મહત્વનું બજાર છે. આ ભાગીદારી દ્વારા અમારો ધ્યેય એ છે કે ભારતીય પ્રવાસીઓ જ્યારે વિયેટનામ, લાઓસ કે કંબોડિયાથી પરત ફરે ત્યારે તેમની પાસે ત્યાંની સંસ્કૃતિની અત્યંત સુંદર અને યાદગાર સ્મૃતિઓ હોય. પર્યટન ક્ષેત્રે આ નવો કરાર દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો અને ભારત વચ્ચેના સંબંધોને પણ વધુ મજબૂત બનાવશે.

(7:08 PM IST)