તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
૮૦ વર્ષથી આદિવાસી શિક્ષણની ઘોર ઉપેક્ષા! CJP ના અભિજીત દીપકેએ આદિવાસી શાળાઓની દશા સુધારવા 'આદિવાસી સ્કૂલ ઠીક કરો' ઝુંબેશની કરી જાહેરાત
મહારાષ્ટ્રના ગઢચિરોલીથી ૧૭ સપ્ટેમ્બરે આંદોલનની શરૂઆત: છેલ્લા બે વર્ષમાં મહારાષ્ટ્રમાં ૫૯૦ થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓના મોત અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા

નાગપુર : દેશમાં સ્વતંત્રતાના દાયકાઓ પછી પણ આદિવાસી વિસ્તારોની સરકારી શાળાઓની દયનીય સ્થિતિ અને વિદ્યાર્થીઓ સાથે થતા ભેદભાવ સામે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સ્થાપક અભિજીત દીપકેએ મોરચો માંડ્યો છે. નાગપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે આરોપ લગાવ્યો હતો કે છેલ્લા ૮૦ વર્ષથી તમામ સરકારોએ આદિવાસી વિસ્તારોના શિક્ષણની સરેઆમ ઉપેક્ષા કરી છે. આ ગંભીર મુદ્દે સરકારનું ધ્યાન દોરવા માટે તેઓ ૧૭ સપ્ટેમ્બરથી મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાંથી 'આદિવાસી સ્કૂલ ઠીક કરો' અભિયાનનો પ્રારંભ કરી રહ્યા છે.
પાર્ટી ઓફિસો માટે કરોડો રૂપિયા, પણ ભાડાની શાળા માટે ફંડ નથી!
અભિજીત દીપકેએ રાજકીય પક્ષો પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજકીય પક્ષો દરેક જિલ્લામાં પોતાના કરોડો રૂપિયાના આલીશાન મુખ્યાલયો બનાવે છે, પરંતુ આદિવાસી બાળકો માટે ભાડાના મકાનમાં ચાલતી સરકારી કે રેસિડેન્શિયલ શાળાઓને યોગ્ય સુવિધાઓ આપવા માટે સરકાર પાસે બજેટ હોતું નથી. દેશમાં GDP વૃદ્ધિદર કે ૫ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીના મોટા દાવાઓ વચ્ચે આદિવાસી સમાજનો વિકાસ અટકી ગયો છે. જો દેશનું ભવિષ્ય સુધારવું હોય તો ગ્રામીણ અને આદિવાસી શાળાઓની સ્થિતિ સુધારવી પ્રાથમિકતા બનવી જોઈએ.
મહારાષ્ટ્રમાં ૫૯૦ આદિવાસી વિદ્યાર્થીઓના મોત, વળતરમાં પણ ભેદભાવ
CJP ના વડાએ એક સનસનાટીભર્યો દાવો કરતાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં માત્ર મહારાષ્ટ્રમાં જ ૫૯૦ થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓના મોત થયા છે. તેમાંના ઘણા બાળકોના મોત શાળા સંકુલમાં સાપ કરડવાથી (snakebites) થયા છે. જો આવા મોત મુંબઈ કે પુણેની શાળાઓમાં થયા હોત તો આખા દેશમાં હોબાળો મચી ગયો હોત. આ ઉપરાંત, મૃતક વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય વળતર આપવામાં પણ ભારે અસમાનતા અને અણછાજતો વ્યવહાર કરવામાં આવે છે.
એકલવ્ય મોડેલ સ્કૂલોની દશા અને ઉચ્ચ શિક્ષણમાં ભેદભાવ
આદિવાસી શિક્ષણના આંકડા રજૂ કરતાં દીપકેએ કહ્યું કે, દેશમાં મંજૂર થયેલી ૭૨૦ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓમાંથી ૪૭૭ શાળાઓ તો બિન-કાર્યક્ષમ (non-functional) છે. ઉચ્ચ શિક્ષણમાં આદિવાસી વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ માત્ર ૨૨.૮% છે અને IITs માં આદિવાસી ઉમેદવારો તેમજ ફેકલ્ટીની સંખ્યા ખૂબ જ ઓછી છે, જે સીધો ભેદભાવ દર્શાવે છે.
આ અભિયાન હેઠળ CJP ના કાર્યકરો અને પ્રતિનિધિઓ આદિવાસી શાળાઓની રૂબરૂ મુલાકાત લઈને પાયાની સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સોશિયલ ઓડિટ કરશે.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
