News of Wednesday, 9th September 2026
સિંગાપોર પ્રવાસ થયો વધુ સરળ: રિસોર્ટ્સ વર્લ્ડ સેન્ટોસા ખાતે બુકિંગ અને પેમેન્ટ માટે હવે ભારતીય પ્રવાસીઓ કરી શકશે UPI નો ઉપયોગ!
મુંબઈમાં યોજાયેલા ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026’ માં NPCI ઇન્ટરનેશનલ અને FOMO Pay વચ્ચે ઐતિહાસિક કરાર; યુનિવર્સલ સ્ટુડિયો સિંગાપોર અને સેન્ટોસાના આકર્ષણો માટે હવે ઘરબેઠા ડાયરેક્ટ UPI ચુકવણી શક્ય બનશે

મુંબઈ : ભારતીય પ્રવાસીઓ માટે સિંગાપોર પ્રવાસ હવે વધુ આરામદાયક અને સુવિધાયુક્ત બનવા જઈ રહ્યો છે. યુનિવર્સલ સ્ટુડિયો સિંગાપોર સહિતના વિશ્વપ્રસિદ્ધ આકર્ષણો ધરાવતા 'રિસોર્ટ્સ વર્લ્ડ સેન્ટોસા' (RWS) ખાતે વિવિધ અનુભવો અને આકર્ષણોનું ઓનલાઈન બુકિંગ તેમજ ચુકવણી કરવા માટે હવે ભારતીય પ્રવાસીઓ તેમની પસંદગીની કોઈપણ UPI (Unified Payments Interface) એપનો ઉપયોગ કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય શાખા NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) અને સિંગાપોરની જાણીતી ફિનટેક સંસ્થા FOMO Pay વચ્ચે થયેલા કરાર બાદ આ સુવિધા કાર્યરત થઈ છે.
ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 માં મોટી જાહેરાત:
મુંબઈ ખાતે યોજાયેલા ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026’ દરમિયાન આ મહત્વપૂર્ણ ભાગીદારીની જાહેરાત કરવામાં આવી હતી. આ કરાર હેઠળ સિંગાપોરના પ્રખ્યાત રિસોર્ટ્સ વર્લ્ડ સેન્ટોસા ઓનલાઈન UPI સ્વીકારનાર પ્રથમ અગ્રણી વેપારી બન્યો છે. સિંગાપોરનો પ્રવાસ કરતા પહેલા ભારતીય મુલાકાતીઓ રિસોર્ટની સત્તાવાર વેબસાઈટ પર જઈને જ ભારતીય ચલણ અને પરિચિત UPI એપ દ્વારા હોટેલ બુકિંગ, એડવેન્ચર કોવ વોટરપાર્ક અને સિંગાપોર ઓશનેરિયમ સહિતના તમામ આકર્ષણોની ટિકિટો અગાઉથી બુક કરી શકશે.
ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે:
આંકડાઓ અનુસાર, વર્ષ ૨૦૨૫ માં ૧.૨ મિલિયન (૧૨ લાખ) થી વધુ ભારતીય પ્રવાસીઓએ સિંગાપોરની મુલાકાત લીધી હતી. NPCI ઇન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ રિતેશ શુક્લા તેમજ FOMO Pay ના સીઈઓ લુઈસ લિયુના જણાવ્યા અનુસાર, આ પગલાથી ભારતીય ગ્રાહકો માટે ક્રોસ-બોર્ડર ચુકવણી વધુ સરળ, ઝડપી અને રોકડમુક્ત બનશે. વધુમાં, સિંગાપોરના સ્થાનિક વ્યવસાયોને ભારતના વિશાળ ડિજિટલ ગ્રાહક આધારનો લાભ મળશે અને વિદેશી ચલણ બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
ભારતીય પ્રવાસીઓ માટે ગર્વની ક્ષણ:
રિસોર્ટ્સ વર્લ્ડ સેન્ટોસાના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ જેની વાંગે જણાવ્યું કે ભારત તેમના માટે સૌથી ઝડપથી વિકસતું અને મહત્વપૂર્ણ બજાર છે. UPI ની સક્ષમતાથી ભારતીય ગ્રાહકો પોતાના ઘરે બેઠા જે રીતે સહજતાથી ડિજિટલ લેવડ-દેવડ કરે છે, તેવો જ સીમલેસ અનુભવ હવે તેઓ સિંગાપોરના પ્રવાસનું આયોજન કરતી વખતે પણ મેળવી શકશે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
