<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

વિમાનમાં પાવર બેંક વાપરનારા પ્રવાસીઓ સાવધાન: અમેરિકન એરલાઇન્સે ગેજેટ્સ રાખવા માટે બનાવ્યા કડક નિયમો, ઉલ્લંઘન બદલ થઈ શકે છે જેલ

હવે માત્ર બે જ પાવર બેંક સાથે રાખી શકાશે, ઓવરહેડ કેબિનમાં રાખવા પર પ્રતિબંધ; જાપાનમાં નિયમો તોડવા બદલ 10 લાખ યેનનો દંડ અને 2 વર્ષની સજાની જોગવાઈ

ન્યૂયોર્ક :  જો તમે હવાઈ મુસાફરી દરમિયાન મોબાઈલ કે લેપટોપ ચાર્જ કરવા માટે પાવર બેંક (પોર્ટેબલ ચાર્જર) પર નિર્ભર રહેતા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. અમેરિકન એરલાઇન્સે તેની સુરક્ષા નીતિમાં મોટો ફેરફાર કરતા પ્રવાસીઓ માટે પાવર બેંક રાખવાની મર્યાદા નક્કી કરી દીધી છે. શુક્રવારથી અમલમાં આવતા નવા નિયમો મુજબ, પ્રવાસીઓ હવે પોતાની સાથે મહત્તમ બે જ પોર્ટેબલ ચાર્જર રાખી શકશે અને તેનો ઉપયોગ કરતી વખતે તેને નજર સામે રાખવા ફરજિયાત રહેશે.
એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુસાફરો આ ઉપકરણોને ઉપરના સામાન રાખવાના ખાના (Overhead compartment) માં મૂકી શકશે નહીં. ઉપરાંત, ફ્લાઈટ દરમિયાન આ પાવર બેંકને વિમાનના પાવર આઉટલેટથી ચાર્જ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર 100 વોટ-અવર કે તેથી ઓછી ક્ષમતા ધરાવતી લિથિયમ બેટરીવાળા ચાર્જરને જ મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ લિથિયમ બેટરીમાં થતા વિસ્ફોટ અને આગની ઘટનાઓ છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ના અહેવાલ મુજબ, ગયા વર્ષે ફ્લાઈટમાં ધુમાડો, આગ કે અતિશય ગરમીની 50 થી વધુ ઘટનાઓ બની હતી, જેના કારણે ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવી પડી હતી.
માત્ર અમેરિકન એરલાઇન્સ જ નહીં, પરંતુ અન્ય કંપનીઓ પણ કડક બની છે. સાઉથવેસ્ટ એરલાઇન્સે તો એક મુસાફર દીઠ માત્ર એક જ ચાર્જરનો નિયમ લાગુ કરી દીધો છે, જે મુસાફરોએ પોતાની પાસે અથવા સીટની નીચે રાખવાની બેગમાં રાખવું પડશે. એરલાઇન્સનું કહેવું છે કે આ પગલાથી બેટરીમાં આગ લાગવાનું જોખમ ઘટાડી શકાશે અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થશે.
જાપાનમાં તો આ નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. ત્યાં મુસાફરો માટે બે થી વધુ ચાર્જર રાખવા પર મનાઈ છે અને જો કોઈ 160 વોટ-અવરથી વધુ ક્ષમતાની પાવર બેંક સાથે પકડાય અથવા નિયમોનું ઉલ્લંઘન કરે, તો તેને બે વર્ષની જેલની સજા અથવા 10 લાખ યેન (આશરે 5.25 લાખ રૂપિયા) નો દંડ થઈ શકે છે. જો તમે પણ વિદેશ પ્રવાસે જવાનું વિચારી રહ્યા હોવ, તો એરલાઇન્સની વેબસાઇટ પર પાવર બેંકના નવા નિયમો ચોક્કસથી ચકાસી લેજો, જેથી એરપોર્ટ પર કોઈ મુશ્કેલી ન સર્જાય.

(6:37 PM IST)