તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૦ સોમવાર
News of Friday, 19th June 2026
મુસાફરી હવે બનશે ઈકો-ફ્રેન્ડલી અને આહલાદક: લખનૌ-કાનપુર એક્સપ્રેસવે પર લહેરાશે 46,000 વૃક્ષોની ગ્રીન ચાદર, તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થશે!
NHAI અને વન વિભાગ વચ્ચે ₹5 કરોડનો મેગા કરાર; લીમડો, પીપળ અને ગુલમહોર જેવા ઓક્સિજન આપતા સ્થાનિક વૃક્ષો વાવવામાં આવશે, દર વર્ષે 900 ટન કાર્બન ડાયોક્સાઇડ શોષી લેશે આ હરિયાળો કોરિડોર

લખનૌ : ઉત્તર પ્રદેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્રાંતિની સાથે હવે પર્યાવરણ સંરક્ષણનો એક અદભુત સમન્વય જોવા મળવા જઈ રહ્યો છે. લખનૌ અને કાનપુર વચ્ચે બની રહેલો અત્યાધુનિક એક્સપ્રેસવે આગામી દિવસોમાં માત્ર વાહનોની ગતિ જ નહીં, પરંતુ કુદરતી સૌંદર્યની દ્રષ્ટિએ પણ દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ આ હાઈવેને સંપૂર્ણપણે 'ગ્રીન કોરિડોર' માં ફેરવવાની ભવ્ય યોજના આખરી કરી લીધી છે. આ હરિયાળી ક્રાંતિ અંતર્ગત એક્સપ્રેસવેની બંને બાજુએ અધધ 46,000 વૃક્ષો વાવવાનું મહાઅભિયાન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે.
NHAI ના ખર્ચે વન વિભાગ કરશે જાળવણી
આ પ્રદૂષણમુક્ત ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે NHAI અને ઉત્તર પ્રદેશના વન વિભાગ વચ્ચે એક સત્તાવાર સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે. આશરે 63 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસવેનો બાનીથી શુક્લગંજ વચ્ચેનો 42 કિલોમીટરનો હિસ્સો સંપૂર્ણપણે ગ્રીનફિલ્ડ વિસ્તાર છે, જ્યાં આ વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ થનારો ₹5 કરોડનો તમામ ખર્ચ NHAI ભોગવશે, જ્યારે આ વૃક્ષોના ઉછેર, સુરક્ષા અને લાંબા ગાળાની જાળવણીની સંપૂર્ણ જવાબદારી વન વિભાગના શિરે રહેશે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ છોડ સુકાઈ ન જાય તે માટે હાઈવે પર અત્યાધુનિક ટપક સિંચાઈ (ડ્રિપ ઇરિગેશન) સિસ્ટમ ગોઠવવામાં આવશે.
દર વર્ષે 900 ટન ઝેરી ધુમાડો થશે ગાયબ!
પર્યાવરણવિદો અને વનસ્પતિ નિષ્ણાતોના મતે, જ્યારે આ 46,000 વૃક્ષો સંપૂર્ણ રીતે મોટા થઈ જશે, ત્યારે તેઓ હાઈવે પર દોડતા વાહનોમાંથી નીકળતા ધુમાડા અને ઝેરી ગેસને ફિલ્ટર કરવાનું કામ કરશે. આ હરિયાળો પટ્ટો વાર્ષિક 900 ટનથી વધુ કાર્બન ડાયોક્સાઇડ શોષી લેવાની ક્ષમતા ધરાવશે. આ ઉપરાંત, હવાની ગુણવત્તા (AQI) સુધરશે અને આસપાસના 15-20 કિલોમીટરના ત્રિજ્યા વાળા વિસ્તારમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
ઓક્સિજન આપતા અને ઘટાદાર વૃક્ષોને અગ્રતા
હાઈવે પર છાંયડો આપવાની સાથે વાયુ પ્રદૂષણ અને ધૂળના રજકણોને રોકવા માટે અહી માત્ર સ્થાનિક (દેશી) પ્રજાતિના વૃક્ષોને જ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ગ્રીન કોરિડોરમાં મુખ્યત્વે લીમડો, પીપળ, વડ, શીશમ, અર્જુન, ગુલમહોર અને અમલતાસ જેવા ઘટાદાર વૃક્ષો વાવવામાં આવશે, જે યુપીની આબોહવાને અનુકૂળ છે. આ વૃક્ષો ચોમાસા દરમિયાન હાઈવેની આસપાસની માટીનું ધોવાણ પણ અટકાવશે. જ્યારે રોડની બાજુમાં બચેલા અન્ય સેક્શનમાં આકર્ષક ફળદાયી વૃક્ષો લગાવવામાં આવશે.
માત્ર 45 મિનિટમાં લખનૌથી કાનપુરની સફર
અત્રે ઉલ્લેખનીય છે કે ₹4,000 કરોડથી વધુના તોતિંગ ખર્ચે બની રહેલા આ હાઈ-ટેક લખનૌ-કાનપુર એક્સપ્રેસવેની કુલ લંબાઈ 63 કિલોમીટર છે, જેમાં કાનપુર સેક્શનમાં 45 કિમી અને લખનૌ સેક્શનમાં 17.8 કિમીનો સમાવેશ થાય છે. લખનૌ તરફનો ભાગ શાનદાર એલિવેટેડ ફ્લાયઓવર સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યો છે. આ હાઈવે પર વાહનોની મહત્તમ ગતિ મર્યાદા 120 કિલોમીટર પ્રતિ કલાક નિર્ધારિત કરવામાં આવી છે, જેના કારણે બંને મોટા શહેરો વચ્ચેનો પ્રવાસ સમય ઘટીને માત્ર 45 મિનિટનો થઈ જશે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
