News of Tuesday, 28th April 2026
સ્પેન પ્રવાસ હવે બનશે મોંઘો: વિગો શહેરમાં એન્ટ્રી માટે આપવો પડશે વધારાનો ટેક્સ, જાણો ઓક્ટોબર 2026 થી કેટલો ખર્ચ વધશે!
ફાઈવ સ્ટાર હોટલ હોય કે ક્રૂઝ શિપ, પ્રવાસીઓએ રાત્રિ રોકાણ દીઠ ચૂકવવો પડશે કર: સ્થાનિક લોકોને ટેક્સમાંથી મુક્તિ

મેડ્રિડ, તા. 28: યુરોપના પ્રવાસે જવાનું આયોજન કરી રહેલા પર્યટકો માટે એક મહત્વના સમાચાર છે. સ્પેનના પ્રખ્યાત બંદર શહેર વિગો (Vigo) એ પ્રવાસીઓની વધતી જતી ભીડને નિયંત્રિત કરવા અને આવક વધારવા માટે આગામી ઓક્ટોબર 2026 થી 'ટુરિસ્ટ ટેક્સ' (Tourist Tax) લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને કારણે હવે આ શહેરમાં ફરવા આવતા લોકોએ હોટલના બિલ ઉપરાંત વધારાના પૈસા ચૂકવવા પડશે.
કેવી રીતે લાગુ થશે આ ટેક્સ?
સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ ટેક્સનો અમલ તબક્કાવાર કરવામાં આવશે. શરૂઆતમાં એટલે કે ઓક્ટોબર 2026 થી જુલાઈ 2027 સુધી, પ્રવાસીઓએ માત્ર રોકાણની પ્રથમ બે રાત માટે જ ટેક્સ ચૂકવવો પડશે. ત્યારબાદ 1 જુલાઈ, 2027 થી મહત્તમ પાંચ રાત સુધીના રોકાણ પર આ ટેક્સ લાગુ થશે. આશ્ચર્યની વાત એ છે કે, આ ટેક્સ માત્ર હોટલમાં રોકાતા લોકો માટે જ નહીં, પણ ક્રૂઝમાં આવતા મુસાફરો માટે પણ ફરજિયાત હશે.
કોને કેટલો ટેક્સ ચૂકવવો પડશે?
તમે કેવા પ્રકારના રહેઠાણમાં રોકાશો તે મુજબ ટેક્સનો દર નક્કી કરવામાં આવ્યો છે:
• ફાઈવ સ્ટાર હોટલ: રાત્રિ દીઠ આશરે ₹180 (€2).
• થ્રી અને ફોર સ્ટાર હોટલ: રાત્રિ દીઠ આશરે ₹145 (€1.60).
• ક્રૂઝ પેસેન્જર્સ અને લોઅર કેટેગરી હોટલ: રાત્રિ દીઠ આશરે ₹110 (€1.20).
• હોસ્ટેલ, કેમ્પસાઈટ અને પ્રવાસી એપાર્ટમેન્ટ્સ: રાત્રિ દીઠ આશરે ₹72 (€0.80).
આ લોકોને મળશે મુક્તિ
જોકે, વિગોના સ્થાનિક રહીશોને આ ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત સ્વાસ્થ્યના કારણોસર મુસાફરી કરતા લોકો, સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓ, દિવ્યાંગ વ્યક્તિઓ અને યુવાનોને પણ આ ટેક્સમાંથી રાહત આપવામાં આવી છે.
સ્પેનના અન્ય શહેરોમાં પણ કડક નિયમો
વિગો એ સ્પેનનું એકમાત્ર શહેર નથી જ્યાં આવો ટેક્સ લેવાય છે. બાર્સેલોના, કેટાલિનિયા અને બેલેરિક આઇલેન્ડ જેવા વિસ્તારોમાં પહેલેથી જ પ્રવાસીઓ પાસેથી વસૂલાત કરવામાં આવે છે. બાર્સેલોનામાં તો આ ટેક્સનો દર પ્રતિ રાત્રિ ₹900 થી ₹1350 (€10-€15) સુધી પહોંચી ગયો છે. યુરોપના લોકપ્રિય પ્રવાસન સ્થળો હવે પ્રવાસીઓના દબાણને ઘટાડવા માટે આવા નાણાકીય પગલાં ભરી રહ્યા છે. તેથી જો તમે 2026 પછી સ્પેન જવાનું વિચારતા હોવ, તો બજેટમાં આ ટેક્સનો ખર્ચ ગણવાનું ભૂલતા નહીં!
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
