તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
નેપાળની મુસાફરી હવે બનશે સુપરફાસ્ટ: બોર્ડર પર કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ!
સરહદ પર વાહનોની એન્ટ્રી માટે નેપાળ સરકારની 'ડિજિટલ ક્રાંતિ', ભારતીય પ્રવાસીઓ હવે ઘરે બેઠા ઓનલાઈન પાસ મેળવી શકશે અને કસ્ટમ ઓફિસ ગયા વગર રિન્યુઅલ પણ કરી શકશે

નવી દિલ્હી: ભારત અને નેપાળ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં હવે ટેકનોલોજીનો નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી જે ભારતીય પ્રવાસીઓ પોતાના વાહન સાથે નેપાળ જવા ઈચ્છતા હતા, તેમને સરહદ પર કલાકો સુધી કસ્ટમની લાંબી લાઇનોમાં ઉભા રહીને કાગળની કાર્યવાહી કરવી પડતી હતી. પરંતુ હવે નેપાળની સરકારે આ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધી છે. બુધવાર, ૬ મેના રોજ નેપાળના નાણામંત્રી ડૉ. સ્વર્ણિમ વાગલેએ નવી ઓનલાઈન નોંધણી સેવા શરૂ કરી છે, જેનાથી ભારતીય પ્રવાસીઓ હવે સરહદ પહોંચતા પહેલા જ પોતાના વાહનનો પરમિટ પાસ ઓનલાઈન મેળવી શકશે.
આ નવી સિસ્ટમ મુજબ, પ્રવાસીઓએ નેપાળ કસ્ટમ્સની અધિકૃત વેબસાઈટ પર જઈને પોતાના વાહનની વિગતો ભરવાની રહેશે. વિગતો સબમિટ કર્યા પછી એક QR કોડ જનરેટ થશે, જેના દ્વારા જરૂરી ફી પણ ઓનલાઈન ભરી શકાશે. જ્યારે તમે સરહદ પર પહોંચશો, ત્યારે માત્ર આ QR કોડ બતાવવાથી જ તમારા વાહનને ત્વરિત પ્રવેશ મળી જશે. આ સુવિધાને કારણે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાંથી નેપાળ જતા હજારો પ્રવાસીઓનો કિંમતી સમય બચશે અને મુસાફરી વધુ આનંદદાયક બનશે.
નેપાળ સરકારે આ સેવામાં વધુ એક રાહત આપતા જણાવ્યું છે કે, જો મુસાફરી દરમિયાન વાહનના પાસની મુદત પૂરી થઈ જાય, તો હવે પ્રવાસીઓએ કસ્ટમ ઓફિસના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. પ્રવાસીઓ ગમે ત્યાંથી ઓનલાઈન જ પોતાના પાસને રિન્યુ કરાવી શકશે. કસ્ટમ વિભાગના ડિરેક્ટર જનરલ શ્યામ પ્રસાદ ભંડારીના જણાવ્યા મુજબ, આ પારદર્શક વ્યવસ્થાથી ભ્રષ્ટાચાર પર લગામ લાગશે અને પ્રવાસન ઉદ્યોગને નવું જોમ મળશે. કાઠમંડુ, પોખરા કે મુક્તિનાથ જનારા ભારતીય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આ નિર્ણય ઉનાળાના વેકેશનમાં એક મોટી ભેટ સમાન સાબિત થશે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
