<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

દુબઈમાં મુસાફરી થશે સુપરફાસ્ટ: 34 અબજ દિરહામના ખર્ચે બની રહી છે નવી 'ગોલ્ડ લાઈન' મેટ્રો, હવે ટ્રાફિકની ઝંઝટ ભૂલી જજો

બ્લુ લાઈન મેટ્રોનું કામ પણ પૂરજોશમાં; હેસા સ્ટ્રીટ રોડના અપગ્રેડેશનથી 15 મિનિટની સફર માત્ર 4 મિનિટમાં પૂર્ણ થશે

 

દુબઈ, તા. 29: ભવિષ્યના શહેર તરીકે ઓળખાતું દુબઈ હવે મુસાફરો અને પ્રવાસીઓ માટે પરિવહન વધુ સરળ અને આધુનિક બનાવવા જઈ રહ્યું છે. દુબઈ સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટેના એક વિશાળ પ્લાનની જાહેરાત કરી છે, જેમાં 34 અબજ દિરહામના જંગી ખર્ચે બનનારી 'ગોલ્ડ લાઈન' (Gold Line) મેટ્રો મુખ્ય આકર્ષણ છે. આ પ્રોજેક્ટથી દુબઈના આશરે 15 લાખ રહેવાસીઓને સીધો ફાયદો થશે અને શહેરના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવું રમત વાત બની જશે.
આ નવી ગોલ્ડ લાઈન મેટ્રો 42 કિલોમીટર લાંબો ભૂગર્ભ રૂટ હશે, જે અલ ઘુબૈબાથી શરૂ થઈને બિઝનેસ બે, મેદાન, અલ બરશા સાઉથ અને જુમૈરા વિલેજ સર્કલ જેવા 15 મહત્વના લોકેશનને જોડશે. એટલું જ નહીં, ભવિષ્યમાં તેને 'ઈતિહાદ રેલ' સાથે પણ સાંકળવામાં આવે તેવી શક્યતા છે, જેથી દુબઈની બહારના વિસ્તારો સાથેની કનેક્ટિવિટી પણ મજબૂત બનશે. દુબઈના અર્થતંત્ર અને પ્રવાસનને વેગ આપવા માટે આ પ્રોજેક્ટ ગેમ-ચેન્જર સાબિત થશે.
બીજી તરફ, અગાઉ જાહેર કરાયેલી 'બ્લુ લાઈન' મેટ્રોનું કામ પણ પાંચ મહિનામાં 10% જેટલું પૂર્ણ થઈ ગયું છે. આ લાઈનમાં 14 સ્ટેશનો હશે જે અલ જદ્દાફથી દુબઈ ક્રીક હાર્બર અને ઈન્ટરનેશનલ સિટીથી મિર્દિફ જેવા ગીચ વિસ્તારોને આવરી લેશે. આ પ્રોજેક્ટ્સનો હેતુ વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને દૈનિક મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવાનો છે.
રસ્તાઓ પરના ટ્રાફિકને હળવો કરવા માટે દુબઈએ 'હેસા સ્ટ્રીટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ' પણ પૂર્ણ કર્યો છે. શેખ ઝાયેદ રોડ અને અલ ખૈલ રોડ વચ્ચેના 4.5 કિલોમીટરના પટ્ટામાં મુસાફરીનો સમય 15 મિનિટથી ઘટીને માત્ર 4 મિનિટ થઈ ગયો છે. રોડની ક્ષમતા પણ પ્રતિ કલાક 8,000 વાહનોથી વધીને 16,000 વાહનોની થઈ ગઈ છે. દુબઈ મેટ્રો 2009 થી શહેરની લાઈફલાઈન રહી છે, અને હવે આ નવા વિસ્તરણથી દુબઈ વિશ્વના સૌથી આધુનિક પરિવહન નેટવર્ક ધરાવતા શહેરોમાં અગ્રેસર રહેશે.

(7:52 PM IST)