News of Tuesday, 28th April 2026
પાસપોર્ટના 'ઝંઝટ' વગર જ કરો વિદેશની સફર! ભારતીયો માટે ખુશખબર: દુનિયાના આ 4 એરપોર્ટ પર માત્ર આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ બતાવીને મળશે એન્ટ્રી!
વિદેશ પ્રવાસ માટે વિઝા કે પાસપોર્ટની લાઈનમાં લાગવાની હવે જરૂર નથી: પાડોશી દેશો નેપાળ અને ભૂતાન સાથેની ખાસ સંધિનો લાભ લો, જાણો કયા દસ્તાવેજો રાખવા પડશે સાથે

નવી દિલ્હી: વિદેશ પ્રવાસનું નામ સાંભળતા જ સામાન્ય રીતે લોકોના મનમાં પાસપોર્ટ કઢાવવા, વિઝા માટે ધક્કા ખાવા અને લાંબી કાગળિયાની પ્રક્રિયાના વિચારો આવવા લાગે છે. આ જ કારણસર ઘણા લોકો પોતાનો પ્લાન માંડી વાળતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એવા પણ દેશો અને એરપોર્ટ છે જ્યાં જવા માટે ભારતીયોને પાસપોર્ટની બિલકુલ જરૂર નથી? તમારી પાસે રહેલું આધાર કાર્ડ કે વોટર આઈડી (ચૂંટણી કાર્ડ) જ તમારો પાસપોર્ટ બની શકે છે.
નેપાળ: હિમાલયના ખોળામાં વગર પાસપોર્ટે એન્ટ્રી
ભારતનો સૌથી નજીકનો પાડોશી દેશ નેપાળ ભારતીયો માટે સ્વર્ગ સમાન છે. નેપાળ જવા માટે તમારે પાસપોર્ટની અનિવાર્યતા નથી.
• કાઠમંડુ (ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ): જો તમે ફ્લાઈટ દ્વારા કાઠમંડુ ઉતરો છો, તો તમારે માત્ર ભારત સરકાર દ્વારા જારી કરાયેલું ફોટો ઓળખપત્ર બતાવવાનું રહેશે.
• પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ: અન્નપૂર્ણા રેન્જની નજીક પહોંચવા માટે આ એરપોર્ટ શ્રેષ્ઠ છે, જ્યાં પણ નિયમો કાઠમંડુ જેવા જ સરળ છે.
• ગૌતમ બુદ્ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ભૈરહવા): ભગવાન બુદ્ધની જન્મસ્થળ લુમ્બિનીની મુલાકાત માટે આ એરપોર્ટ પર પણ ભારતીયો પાસપોર્ટ વગર ઉતરી શકે છે.
ભૂતાન: શાંતિ અને સુકૂનની શોધમાં
વિશ્વનો સૌથી ખુશહાલ દેશ ભૂતાન પણ ભારતીયોનું ઉમળકાભેર સ્વાગત કરે છે. જો તમે ભૂતાનના પારો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરો છો, તો ત્યાં પણ પાસપોર્ટની જરૂર નથી. ભારત અને ભૂતાન વચ્ચેની ખાસ સંધિ મુજબ, ભારતીય નાગરિકો વોટર આઈડી કાર્ડ દ્વારા પ્રવેશ મેળવી શકે છે. જોકે, બાળકો માટે બર્થ સર્ટિફિકેટ (જન્મનો દાખલો) સાથે રાખવો જરૂરી છે.
કયા દસ્તાવેજો રાખવા જરૂરી?
ભલે આ દેશોમાં પાસપોર્ટની જરૂર નથી, પરંતુ તમારી ઓળખ સાબિત કરવા માટે મજબૂત દસ્તાવેજો હોવા જોઈએ.
1. વોટર આઈડી કાર્ડ (ચૂંટણી કાર્ડ): આ સૌથી વધુ માન્ય દસ્તાવેજ છે.
2. આધાર કાર્ડ: ઓળખ માટે આધાર કાર્ડ પણ સાથે રાખવું હિતાવહ છે.
3. પાસપોર્ટ સાઈઝના ફોટા: જરૂરિયાત મુજબ કેટલાક ફોર્મ્સ ભરવા માટે ફોટા સાથે રાખવા.
આ સુવિધાનો લાભ લઈને તમે કોઈપણ મોટી તૈયારી વગર એક શાનદાર ઈન્ટરનેશનલ ટ્રીપ એન્જોય કરી શકો છો. પશુપતિનાથના દર્શન હોય કે માઉન્ટ એવરેસ્ટનો નજારો, હવે બધું જ તમારા ઓળખપત્રના આધારે શક્ય છે.
ખાસ નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી માટે છે. પ્રવાસ કરતા પહેલા જે તે દેશના લેટેસ્ટ ઈમિગ્રેશન નિયમો તપાસી લેવા વિનંતી.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
