<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

પ્રેમ લગ્નનો કરૂણ અંતઃ પતિ-પત્‍નીના અલગ-અલગ રૂમમાં મળ્‍યા મૃતદેહ

ઘરેલું કંકાસે છીનવી બાળકોની છત્રછાયા

 

લખનૌ તા.૪: ઉત્તર પ્રદેશથી એક સનસનાટી ભરી ઘટના સામે આવી છે. બાંદામાં એક દંપતીનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્‍તારમાં સન્નાટો ફેલાઈ ગયો છે. ઘટના તિદવારી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના અમલિકૌર ગામની છે, જ્‍યાં શનિવારે ઘરની અંદર પતિ-પત્‍નીના મૃતદેહ મળ્‍યા બાદ હંગામો મચી ગયો હતો. ઘટનાની જાણકારી ત્‍યારે થઈ જ્‍યારે ઘરની પાસે હાજર બાળકો રડતા રડતા બહાર આવ્‍યા અને આસપાસના લોકોને બોલાવ્‍યા હતા.

સૂચના મળતા જ ગ્રામજનો ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમે ઘટનાસ્‍થળે પહોંચીને બંને મૃતદેહોને કબજે લીધા અને તપાસ શરૂ કરી હતી. સ્‍થળ પર પહોંચેલા અધિકારીઓએ ઘરની અંદરની સ્‍થિતિનો તાગ મેળવ્‍યો અને પ્રારંભિક પુરાવા એકત્ર કર્યા હતા.

પોલીસના જણાવ્‍યા અનુસાર, મૃતક દંપતીએ આશરે સાત વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમની વચ્‍ચે અવારનવાર ઘરેલું વિવાદ થતો રહેતો હતો. શનિવારે પણ ઘરેલું કામોને લઈને બંને વચ્‍ચે બોલાચાલી થઈ હતી, ત્‍યારબાદ આ ઘટના સામે આવી છે.

પોલીસે બંને મૃતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજ મોકલી આપ્‍યા છે. તપાસ દરમિયાન ફોરેન્‍સિક ટીમને પણ સ્‍થળ પર બોલાવવામાં આવી હતી, જેણે ઘરેથી જરૂરી પુરાવા એકઠા કર્યા હતા. મૃતકોની ઓળખ લલ્‍લુ (ઉં.વ.૨૮) અને તેની પત્‍ની ગોમતી (ઉં.વ.૨૪) તરીકે થઈ છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, બંનેના મૃતદેહ અલગ-અલગ રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળ્‍યા હતા.

પરિવારજનોએ પોલીસને જણાવ્‍યું કે, ઘટના સમયે ઘરમાં તેમના બે નાના બાળકો હાજર હતા, જે રડતા રડતા પડોશીઓને જાણ કરવા પહોંચ્‍યા. ઘટના બાદ સમગ્ર ગામમાં શોક અને દહેશતનો માહોલ છે.

પોલીસ તપાસમાં સામે આવ્‍યું કે, મૃતક લલ્‍લુ ભાગીદારીમાં ખેતર રાખીને ખેતી કરતો હતો અને તેને દારૂની લત હતી. નશાના કારણે ઘરમાં અવારનવાર વિવાદ થતો રહેતો હતો. પરિવારજનો અને ગ્રામજનોના જણાવ્‍યા અનુસાર દંપતી વચ્‍ચે અવારનવાર ઝઘડા થતા હતા અને શનિવારે પણ વિવાદ થયો હતો. ત્‍યારબાદ બંનેએ અલગ-અલગ રૂમમાં આત્‍મહત્‍યા કરી લીધી હતી.

કેસમાં DSP સૌરભ સિહે જણાવ્‍યું હતું કે, સૂચના મળતા જ પોલીસ અને ફોરેન્‍સિક ટીમને ઘટનાસ્‍થળે મોકલવામાં આવી હતી. પુરાવા એકત્ર કર્યા બાદ મૃતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્‍યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(9:50 AM IST)