તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
ઓટોગ્રાફથી શરૂ થયેલી લવ સ્ટોરીનો કરૂણ અંત: તિહાર જેલમાં બંધ યાસીન મલિક ૨૦ વર્ષ નાની પાકિસ્તાની પત્ની મુશાલ હુસૈનને આપશે છૂટાછેડા!
આઠ વર્ષથી પત્ની અને પુત્રી સાથે નથી થયો કોઈ સંપર્ક. 'તે વિધવા જેવું જીવન ન જીવે, તેને પણ મુક્તપણે જીવવાનો અધિકાર છે' - અલગતાવાદી નેતાનું સનસનાટીભર્યું નિવેદન.

શ્રીનગર : તિહાર જેલમાં આતંકવાદી ફંડિંગ અને વિદેશી ષડયંત્રના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિક અને તેની પાકિસ્તાની પત્ની મુશાલ હુસૈન વચ્ચેની ચર્ચિત પ્રેમકથા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હોય તેવા એંધાણ મળી રહ્યા છે. દિલ્હીની જેલમાં બંધ યાસીન મલિકે તાજેતરમાં પોતાની પત્ની મુશાલને કાયદેસર રીતે છૂટાછેડા (ડિવોર્સ) આપવાની ઈચ્છા વ્યક્ત કરીને દરેકને ચોંકાવી દીધા છે.
આઠ વર્ષથી સંપર્ક વિહોણું દંપતી: છૂટાછેડા પાછળનું અસલી કારણ
આશ્ચર્યજનક નિર્ણય અંગે ખુલાસો કરતાં યાસીન મલિકે જણાવ્યું છે કે છેલ્લાં ૮ વર્ષથી તે પોતાની પત્ની મુશાલ હુસૈન અને પુત્રી રઝિયા સુલ્તાનાને જોઈ પણ શક્યો નથી કે તેમની સાથે કોઈ વાતચીત થઈ શકી નથી. મલિકે ભાવુક બનીને કહ્યું કે, "હું નથી ઈચ્છતો કે મારી પત્ની મારે કારણે જીવતેજીવ વિધવા જેવું જીવન જીવે. મારી પુત્રી અને પત્નીને પણ પોતાની જિંદગી મુક્તપણે અને સન્માન સાથે જીવવાનો પૂરતો અધિકાર છે."
૨૦૦૫માં ઓટોગ્રાફથી શરૂ થઈ હતી ૨૦ વર્ષ મોટા નેતાની પ્રેમકથા
યાસીન મલિક અને મુશાલ હુસૈનની લવ સ્ટોરી કોઈ ફિલ્મી ડ્રામાથી ઓછી નથી. વર્ષ ૨૦૦૫ માં જ્યારે યાસીન મલિક કાશ્મીર મુદ્દે સમર્થન મેળવવા ઈસ્લામાબાદ ગયો હતો, ત્યારે એક રેલી દરમિયાન તે સમયે માત્ર ૨૦ વર્ષની આર્ટિસ્ટ મુશાલ તેની ભાષણ શૈલીથી પ્રભાવિત થઈને ઓટોગ્રાફ લેવા પહોંચી હતી. આ પહેલી મુલાકાત બાદ બંને વચ્ચે નિકટતા વધી અને પોતાનાથી ૨૦ વર્ષ મોટા અલગતાવાદી નેતા સાથે મુશાલે ૨૦૦૯ માં ધામધૂમથી લગ્ન કરી લીધા હતા.
રૂબૈયા સઈદ કંડ અને જેલવાસ
ઉલ્લેખનીય છે કે ૧૯૮૯ ના ચર્ચિત રૂબૈયા સઈદ (તત્કાલીન ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી) અપહરણકાંડના મુખ્ય કાવતરાખોર તરીકે પણ યાસીન મલિકનું નામ જોડાયેલું છે. ૨૦૨૩ માં એનઆઈએ (NIA) કોર્ટે આતંકવાદી ભંડોળ કેસમાં તેને સજા ફટકારી હતી. જેલના સળિયા પાછળથી આવેલા છૂટાછેડાના આ નિર્ણયે ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં ભારે ચર્ચા જગાવી છે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
