<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

દેશની અગ્રણી IIT સંસ્થાઓમાં ૫ વર્ષમાં ૫૩ તેજસ્વી વિદ્યાર્થીઓના કરુણ મોત

શૈક્ષણિક દબાણ, સામાજિક ભેદભાવ અને ભવિષ્યની ચિંતા વચ્ચે ૫૦%થી વધુ દલિત, આદિવાસી અને પછાત વર્ગના હોનહાર વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું : કેન્દ્રીય મંત્રાલયના ચોંકાવનારા આંકડાથી દેશભરના વાલીઓમાં ભારે ચિંતા

નવી દિલ્હી:  દેશની સૌથી પ્રતિષ્ઠિત અને કઠિન ગણાતી 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી' (IIT) ની પરીક્ષાઓ પાસ કરીને પોતાના શ્રેષ્ઠ ભવિષ્યના સ્વપ્નાઓ સાથે પ્રવેશ મેળવતા તેજસ્વી વિદ્યાર્થીઓ આજે કેમ્પસની અંદર એક ભયાનક માનસિક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દેશની વિવિધ IIT સંસ્થાઓમાંથી એકત્રિત કરવામાં આવેલા ચોંકાવનારા અને હૃદયદ્રાવક આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫ વચ્ચેના છેલ્લા પાંચ વર્ષોમાં કુલ ૫૩ જેટલા આશાસ્પદ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ મૃત્યુમાંથી આશરે ૮૫% એટલે કે ૪૫ કેસો આત્મહત્યાના હતા અને બાકીના આઠ અકુદરતી રીતે થયેલા મોત હતા. જે માતા-પિતા પોતાના બાળકોને દેશની આ સર્વોચ્ચ ટેકનિકલ સંસ્થાઓમાં ઉચ્ચ કારકિર્દી બનાવવા માટે મોકલે છે, તેમના માટે કેમ્પસમાંથી આવતા આવા કરુણ સમાચાર ભારે આઘાત અને ભય પેદા કરી રહ્યા છે.

આંકડાકીય પૃથ્થકરણ દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને છેલ્લા બે વર્ષોમાં વિદ્યાર્થીઓના મૃત્યુના કિસ્સામાં ખૂબ જ તીવ્ર અને ભયાનક વધારો નોંધાયો છે. જ્યાં ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ના વર્ષોમાં વાર્ષિક ૬-૬ કિસ્સા બન્યા હતા, ત્યાં ૨૦૨૩-૨૪માં આ અંક વધીને ૧૭ અને ૨૦૨૪-૨૫માં રેકોર્ડબ્રેક ૧૯ સુધી પહોંચી ગયો હતો. મૃત્યુ પામેલા ૫૩ વિદ્યાર્થીઓમાંથી ૫૪.૭% એટલે કે ૨૯ વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ  શ્રેણીમાંથી આવતા હતા. જેમાં OBCના ૧૨, SCના ૧૦ અને STના ૭ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સંસ્થાવાર ડેટા મુજબ, IIT ખડગપુર, IIT દિલ્હી અને IIT હૈદરાબાદમાં સૌથી વધુ ૭-૭ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે IIT કાનપુર અને IIT (BHU) વારાણસીમાં ૬-૬ અને IIT મદ્રાસમાં ૫ મોત નોંધાયા છે.

આ ગંભીર પરિસ્થિતિ પાછળ શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો, મનોવૈજ્ઞાનિકો અને પીડિત પરિવારો દ્વારા અતિશય શૈક્ષણિક દબાણ, ડિપ્રેશન, એકલતા, પ્લેસમેન્ટ અને નોકરી સંબંધિત ચિંતાઓ તેમજ કેમ્પસમાં થતા સામાજિક-જાતિગત ભેદભાવને મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યા છે. IIT બોમ્બેના મૃતક વિદ્યાર્થી સાહિલ વાકોડેની માતા સોનાલી વાકોડેએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેમના પુત્રને કેમ્પસમાં જાતિવાદી અપમાન અને માનસિક હેરાનગતિનો ભોગ બનવું પડતું હતું. જોકે, શિક્ષણ વિભાગના ડેટા અનુસાર ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં દેશની ૨૩ IIT કેમ્પસમાં ૧૦૮ કૌન્સેલર્સ તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે માત્ર કાઉન્સેલિંગ જ પૂરતું નથી. ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંવાદ સુધારવો, જાતિગત ભેદભાવ સામે કડક કાયદાકીય કવચ પૂરું પાડવું અને શૈક્ષણિક માળખામાંથી અમાનવીય દબાણ ઘટાડવું અત્યંત જરૂરી બન્યું છે, જેથી દેશના રત્નો જેવા યુવાનોને અકાળે કાળના મુખમાં જતા બચાવી શકાય.

(10:09 PM IST)