તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
ધનબાદમાં કાળમુખી દુર્ઘટના: કોલસાના કાદવના ઢગલા નીચે દબાઈ જવાથી 3 શ્રમિકોના કમકમાટીભર્યા મોત, અનેક લોકો ફસાયા હોવાની આશંકા
મુનીડીહ કોલ વોશરીમાં લોડિંગ દરમિયાન ધરાશાયી થયો સ્લરી(કોલસાનો પાવડર મિશ્રિત ગારો) નો પહાડ; ભારે વરસાદે બચાવ કામગીરીમાં સર્જી રુકાવટ, યુદ્ધના ધોરણે ઓપરેશન શરૂ

ધનબાદ (ઝારખંડ),: ઝારખંડના ધનબાદ જિલ્લામાં બીસીસીએલ (BCCL) ની મુનીડીહ કોલ વોશરીમાં શનિવારે સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. અહીં કોલસાની સ્લરી (કોલસાનો પાવડર મિશ્રિત ગારો) નો વિશાળ ઢગલો અચાનક ધરાશાયી થતાં ત્રણ કોન્ટ્રાક્ટ મજૂરોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. સતત પડી રહેલા વરસાદને કારણે આ સ્લરીનો ઢગલો અસ્થિર થઈ ગયો હતો અને કામ કરી રહેલા મજૂરો પર કાળ બનીને ત્રાટક્યો હતો.
ટ્રકમાં લોડિંગ ચાલતું હતું ને સર્જાયો કાળ
મુનીડીહ ઓપી વિસ્તારમાં આવેલા આ પ્રોજેક્ટમાં શનિવારે સાંજે અંદાજે ૫ વાગ્યે ટ્રકમાં સ્લરી લોડ કરવાનું કામ ચાલી રહ્યું હતું. એ જ સમયે ભારે વરસાદને કારણે સ્લરીનો ઉપરનો ભાગ અચાનક ધસી પડ્યો હતો. સ્થળ પર હાજર શ્રમિકોને ભાગવાની તક મળે તે પહેલા જ તેઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. અત્યાર સુધીમાં ત્રણ શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ અનેક લોકો લાપતા હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.
વરસાદે વધારી મુશ્કેલી, NDRF એલર્ટ
દુર્ઘટના બાદ જેસીબી અને અન્ય ભારે મશીનરીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, સતત ચાલુ વરસાદ રાહત અભિયાનમાં મોટો અવરોધ બની રહ્યો છે. સ્થિતિની ગંભીરતાને જોતા એનડીઆરએફ (NDRF) ની ટીમને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. ધનબાદના ડીએમ અને એસએસપીએ ઘટનાસ્થળની મુલાકાત લઈ બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્ત પરિવારોને સહાયની ખાતરી આપી હતી.
સુરક્ષાના નિયમો સામે ઉઠ્યા સવાલો
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કોલસાની ખાણોમાં સુરક્ષાના માપદંડોની અવગણના અને મોસમી જોખમોને ધ્યાનમાં ન લેવાના કારણે આવી ઘટનાઓ બને છે. મજૂર સંગઠનોએ આ અકસ્માત સામે રોષ વ્યક્ત કર્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. બીસીસીએલના અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં ગમગીની અને તણાવનો માહોલ છે, અને તંત્ર બાકી ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા મથામણ કરી રહ્યું છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
