News of Thursday, 26th November 2026
ભિવંડીમાં કમિશનર બંગલો નજીક ગટર સફાઈ દરમિયાન કરુણાંતિકા: ગૂંગળામણથી બે મજૂરોના મોત, પોલીસે નોંધી ADR
બપોરે ડ્રેનેજ લાઈનમાં ઉતરેલા બંને મજૂરો બહાર ન આવતા સાથીઓએ મદદ માંગી; ફાયર બ્રિગેડે બેભાન હાલતમાં બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા પરંતુ તબીબે મૃત જાહેર કર્યા, મૃતકોની ઓળખ મેળવવાની તજવીજ

ભિવંડી : પાવરલૂમ શહેર ભિવંડીમાં મહાનગરપાલિકા કમિશનરના બંગલો નજીક જામ થઈ ગયેલી ગટર લાઈનની સફાઈ દરમિયાન ગૂંગળામણ થવાથી બે મજૂરોના કરુણ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ સાકીબ ખરબેના જણાવ્યા મુજબ, આ દુર્ઘટના ગુરુવારની બપોરે ભિવંડી નિઝામપુરા વિસ્તારમાં મહાપાલિકા કમિશનરના બંગલો નજીક બની હતી, જેમાં બંને મૃતક મજૂરોની ઓળખ તાત્કાલિક થઈ શકી નહોતી.
મળતી માહિતી અનુસાર, ગટર લાઈનની સફાઈની કામગીરી ખાનગી મજૂરોની એક ટીમને સોંપવામાં આવી હતી, જેમાં આ બંને મજૂરો પણ સામેલ હતા. સફાઈ કામગીરી દરમિયાન ડ્રેનેજ લાઈનમાં ઉતરેલા બંને મજૂરોને ગૂંગળામણ થવા લાગી હતી અને તેઓ સમયસર બહાર નીકળી શક્યા નહોતા.
કાફી સમય સુધી બંને મજૂરો ડ્રેનેજ લાઈનમાંથી બહાર ન આવતા તેમના સાથી કર્મચારીઓના ધ્યાનમાં આ બાબત આવી હતી. સાથીદારોએ તાત્કાલિક કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માંગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બેભાન અવસ્થામાં પડેલા બંને મજૂરોને ડ્રેનેજ લાઈનમાંથી બહાર કાઢ્યા હતા.
ત્યારબાદ બંને મજૂરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ગંભીર બનાવ અંગે પોલીસે આકસ્મિક મોતની નોંધ (ADR) કરીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
