તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
રોમના ૨૦૦૦ વર્ષ જૂના ઐતિહાસિક કોલોસીયમમાં કરૂણાંતિકા: ૨૨ વર્ષીય કામદારનું ઊંચાઈ પરથી પડી જવાથી કરૂણ મોત; શોકમાં સ્મારક એક દિવસ માટે બંધ!
લાઇટિંગ પ્રોજેક્ટ માટે કેબલ ફિટિંગ દરમિયાન બની હૃદયદ્રાવક ઘટના; ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ વ્યક્ત કર્યો આઘાત, ઘટનાની તપાસના આદેશ.

રોમ, તા.૨૩: વિશ્વના સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતા ઇટાલીના રોમ શહેર સ્થિત ઐતિહાસિક 'કોલોસીયમ' (Colosseum) માં એક મોટી દુર્ઘટના સામે આવી છે. મંગળવારે મોડી રાત્રે કોલોસીયમની અંદર સમારકામ અને લાઇટિંગ પ્રોજેક્ટનું કામ કરી રહેલા એક ૨૨ વર્ષીય યુવાન કામદારનું ઊંચાઈ પરથી નીચે પડી જવાથી દુઃખદ મૃત્યુ થયું હતું. આ કરૂણ ઘટનાના પગલે શોક વ્યક્ત કરવા માટે બુધવારે રોમનું આ વિશ્વપ્રસિદ્ધ સ્મારક જાહેર જનતા માટે એક દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું હતું.
કેબલ ફિટિંગ દરમિયાન સર્જાયો અકસ્માત
મૃતક કામદારની ઓળખ એન્ડ્રિયા મોરેટ્ટી (૨૨) તરીકે થઈ છે, જે દોરડાની મદદથી ઊંચાઈ પર કામ કરવાનો ખાસ અનુભવ ધરાવતો હતો. પુરાતત્વીય પાર્કની પ્રેસ ઓફિસે આપેલી માહિતી મુજબ, આવતા મહિને પૂર્ણ થનારા એક સ્પેશિયલ લાઇટિંગ પ્રોજેક્ટ માટે કોલોસીયમની અંદર કેબલ લગાવવાનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન મોરેટ્ટી અચાનક સમતુલન ગુમાવતા નીચે પટકાયા હતા.
વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ વ્યક્ત કર્યું દુઃખ
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ અકસ્માત અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "અમે એન્ડ્રિયા મોરેટ્ટીના અચાનક થયેલા દુઃખદ અવસાનથી ભારે આઘાતમાં છીએ. માત્ર ૨૨ વર્ષની નાની વયે અને તે પણ કાર્યસ્થળ (Workplace) પર કોઈ કામદારનું મૃત્યુ થવું એ અત્યંત અસ્વીકાર્ય અને દુઃખદ છે." તેમણે ઉમેર્યું હતું કે આ દુર્ઘટના પાછળના સાચા કારણો જાણવા સત્તાવાળાઓ દ્વારા ઝડપી તપાસ કરવામાં આવશે.
હજારો પ્રવાસીઓને બહાર કાઢી સ્મારક બંધ કરાયું
બુધવારે સવારે સ્મારક બંધ કરવાનો નિર્ણય લેવાયો તે પહેલાં જ હજારો વિદેશી પ્રવાસીઓ કોલોસીયમમાં પ્રવેશ કરી ચૂક્યા હતા. તંત્ર દ્વારા પરિસ્થિતિની ગંભીરતા જોઈને અંદર ગયેલા તમામ મુલાકાતીઓને સુરક્ષિત રીતે બહાર નીકાળવામાં આવ્યા હતા અને ત્યારબાદ સ્મારકના તમામ દરવાજા સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવ્યા હતા. હાલ સ્થાનિક પોલીસ અને પુરાતત્વ વિભાગ અકસ્માતના સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
