તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં કરુણાંતિકા: મુક્ત કરાવતા જ નરાધમ પુત્રે માતા, નાના-નાની અને ભાણી પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કરી ચાર જીવ લીધા, અન્ય ચાર ગંભીર
અમોદા બિજોરા ગામમાં પૂજારી સાથે મારામારી બાદ દોરડાથી બાંધેલા આરોપી પ્રેમને મમતાથી અંધ બનેલી માતાએ છોડાવતા જ ઘાતકી બન્યો; કરન પઠાર પોલીસે નરાધમ પુત્રની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અનુપપુર:મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લાના પુષ્પરાજગઢ જનપદ અંતર્ગત આવતા કરન પઠાર પોલીસ સ્ટેશન હેઠળના સરઈ ચોકી વિસ્તારના અમોદા બિજોરા ગામમાં શનિવારે એક અત્યંત હૃદયદ્રાવક અને દહેશત ફેલાવતી ઘટના સામે આવી છે. પારિવારિક વિવાદ અને ઝઘડા બાદ ઉશ્કેરાયેલા એક યુવકે પોતાની જન્મદાત્રી માતા, નાના, નાની અને મામાની પાંચ વર્ષની બાળકી પર લાકડીઓ અને દંડા વડે અમાનુષી હુમલો કરીને ચાર લોકોની કરપીણ હત્યા કરી નાખી છે. આ રક્તરંજિત હુમલામાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, ઉમરિયા જિલ્લાના મરદરી ગામનો રહેવાસી અને ઉપસરપંચ હોવાનું કહેવાતો આરોપી પ્રેમ સિંહ આશરે અઠવાડિયા પહેલાં પોતાની માતા અનૂપિયા બાઈ સાથે અમોદા બિજોરા ગામ સ્થિત મોસાળમાં આવ્યો હતો. શુક્રવારે આરોપી પ્રેમે શનિ ધામના પૂજારી (પંડા) ગંગા સિંહ સાથે કારણવિના મારપીટ કરી હતી. આ ઘટનાથી ક્રોધે ભરાયેલા ગ્રામજનોએ પ્રેમ સિંહને પકડીને તેના નાના-નાનીના ઘરે લઈ જઈ દોરડા વડે મજબૂત રીતે બાંધી દીધો હતો.
જોકે, પોતાના પુત્રને બાંધેલી હાલતમાં જોઈને માતાનું હૃદય દ્રવી ઉઠ્યું હતું અને મમતાવશ થઈને અનૂપિયા બાઈએ તેને દોરડાના બંધનમાંથી મુક્ત કરી દીધો હતો. મુક્ત થતાં જ ક્રોધથી અંધ બનેલા પ્રેમ સિંહે તાંડવ મચાવવાનું શરૂ કર્યું હતું અને સૌથી પહેલા તેને બચાવનારી પોતાની જ માતા અનૂપિયા બાઈ પર લાકડી વડે ઘાતકી હુમલો કરી દીધો હતો. ત્યારબાદ તેણે વચ્ચે પડેલા નાના સંપત અને નાની ભન્ની પર પણ લાકડીઓના સપાટા બોલાવીને ત્રણેયને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આટલેથી ન અટકતા, આરોપીએ પરિવારના અન્ય સભ્યો પર પણ હુમલો કર્યો હતો, જેમાં ૫ વર્ષીય માસૂમ બાળકી મોનકા સિંહનું પણ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જ્યારે મામા ચૈન સિંહ, બે બહેનો ભારતી અને ચંચળ તેમજ પૂજારી ગંગા સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી શહડોલ મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં પૂજારીની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે.
ઘટનાની જાણ થતાં જ અનુપપુર જિલ્લા પોલીસ વડા (SP) સહિત ઉમરિયા અને અનુપપુર જિલ્લાનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી પ્રેમ સિંહને કસ્ટડીમાં લઈ લીધો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી આ અગાઉ પણ પોતાની માતા પર હુમલો કરવાના ગુનામાં જેલ જઈ ચૂક્યો છે અને તેની માનસિક સ્થિતિ પણ અસ્થિર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. હાલ પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને આગળની કાનૂની તપાસ તેજ કરી છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
