તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
મુંબઈમાં રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ પર ટ્રાફિક પોલીસનું કડક વલણ: હવે માત્ર દંડ નહીં, ડ્રાઈવિંગ લાઈસન્સ પણ સસ્પેન્ડ કે રદ થશે!
છેલ્લા દોઢ મહિનામાં ૨૩૦ લોકોના લાઈસન્સ રદ કરવા ભલામણ; ૨૦૨૬માં કેસોની સંખ્યા ૨.૪૪ ગણી વધી, દરરોજ સરેરાશ ૧,૨૦૦ વાહનચાલકો દંડાયા

મુંબઈ, તા.૧૪: મુંબઈ શહેરમાં રોંગ સાઈડમાં (વિરુદ્ધ દિશામાં) વાહન ચલાવીને પોતાનો તેમજ અન્ય નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મુકનાર વાહનચાલકો સામે મુંબઈ ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. શહેરમાં કાયદાનું પાલન કરાવવા માટે પોલીસે હવે માત્ર દંડ ફટકારવા સુધી સીમિત ન રહેતા, રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારાઓના ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરવા તથા વાહનો જપ્ત કરવા સુધીની કડક કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રાફિક વિભાગના આંકડા અનુસાર, છેલ્લા દોઢ મહિનાના ટૂંકા ગાળામાં જ નિયમોનો સરેઆમ ભંગ કરનારા ૨૩૦થી વધુ વાહનચાલકોના લાઈસન્સ રદ કરવા માટે સંબંધિત RTOને ભલામણ મોકલી દેવામાં આવી છે. મુંબઈમાં દરરોજ સરેરાશ ૧,૧૦૦ થી ૧,૨૦૦ જેટલા વાહનચાલકો રોંગ સાઈડમાં વાહન હંકારતા પકડાય છે, જેમાં સૌથી વધુ સંખ્યા ટુ-વ્હીલર ચાલકોની છે. ટ્રાફિક પોલીસનું સ્પષ્ટ કહેવું છે કે રોંગ સાઈડ ડ્રાઈવિંગ એ અકસ્માત અને અકાળે મોતના મુખ્ય કારણોમાંથી એક છે.
વર્ષ ૨૦૨૬માં કેસોમાં રેકોર્ડબ્રેક ઉછાળો
પોલીસ ડેટા અનુસાર, વર્ષ ૨૦૨૪માં રોંગ સાઈડ ડ્રાઈવિંગના ૧૨,૭૯૪ કેસ નોંધાયા હતા, જ્યારે ૨૦૨૫માં આ સંખ્યા ૧૧,૭૧૧ હતી. જોકે, વર્તમાન વર્ષ ૨૦૨૬માં ૯ સપ્ટેમ્બર સુધીમાં જ આ આંકડો વધીને ૨૮,૬૦૦ કેસ સુધી પહોંચી ગયો છે. એટલે કે આ વર્ષે અત્યાર સુધીમાં રોંગ સાઈડ વાહન ચલાવવાના કેસો ગયા આખા વર્ષની તુલનામાં આશરે ૨.૪૪ ગણા વધી ગયા છે, જેમાં એકલા જુલાઈ મહિનામાં જ ૫,૧૯૯ નવા કેસો સામે આવ્યા હતા.
જોઈન્ટ પોલીસ કમિશનર સત્યનારાયણ ચૌધરીએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, રસ્તાની ખોટી બાજુએ વાહન ચલાવવું એ અત્યંત ગંભીર ગુનો છે, જે ઘાતક અકસ્માત સર્જી શકે છે. આ જોખમી પ્રવૃત્તિને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે મુંબઈના તમામ ૪૧ ટ્રાફિક વિભાગો દ્વારા એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને નિયમભંગ કરનારાઓ સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
