<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

નવી મુંબઈમાં ટ્રાફિક પોલીસનો 'દેવદૂત' અવતાર: ફ્લાયઓવર પર અકસ્માત બાદ બેભાન બનેલા મોટરચાલકને 'CPR' આપીને આપ્યું નવજીવન!

ફરજ પૂરી કરીને ઘરે પરત ફરી રહેલા બે ખાખીધારીઓની ત્વરિત સૂઝબૂઝ અને માનવતા: ડિવાઇડર સાથે કાર અથડાયા બાદ ઘટનાસ્થળે જ હાથ ધરી સંજીવની સારવાર

નવી મુંબઈ : "ખાખી વર્દી" પાછળ છુપાયેલી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ નવી મુંબઈમાં જોવા મળ્યું છે. રબાલે ટ્રાફિક શાખાના બે ખાખીધારી જવાનોએ પોતાની ફરજ પૂરી કરીને ઘરે જતી વખતે એક અજાણ્યા મોટરચાલકને 'CPR' (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) આપીને મોતના મુખમાંથી બહાર કાઢ્યો છે. પોલીસ કોન્સ્ટેબલોના આ સમયસરના અને સરાહનીય હસ્તક્ષેપને કારણે ડ્રાઇવરનો જીવ બચી ગયો છે.

આ રોમાંચક ઘટના ૧૭ જુલાઈના રોજ રાત્રે ૧૦:૩૦ વાગ્યે બની હતી. રબાલે ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ સચિન ઢાળ અને સચિન સુલ ડ્યુટી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રબાલે ખાતે રિલાયન્સ ફ્લાયઓવર નજીક એક કાર રોડ ડિવાઇડર સાથે જોરદાર અથડાયેલી હાલતમાં જોવા મળી હતી.

ડિવાઇડર સાથે કાર અથડાઈ, સ્ટીયરિંગ પર જ બેભાન હતો ડ્રાઇવર

કોન્સ્ટેબલોએ તુરંત કાર નજીક પહોંચીને તપાસ કરી તો ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી વ્યક્તિ સંપૂર્ણપણે બેભાન અવસ્થામાં હતી. પરિસ્થિતિની ગંભીરતા અને સમયની નાજુકતા સમજીને બંને પોલીસકર્મીઓએ જરાય વિલંબ કર્યા વગર સીનિયર ટ્રેનિંગ મુજબ તુરંત જ તેને 'CPR' આપવાનું શરૂ કર્યું હતું. આ પ્રાથમિક સારવાર કારગત નીવડી અને થોડી જ મિનિટોમાં ડ્રાઇવરને ભાન આવ્યું હતું. ત્યારબાદ તેને તાત્કાલિક સ્થાનિક ગવલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ડ્રાઇવિંગ વખતે જ તબિયત લથડતાં થયો હતો અકસ્માત

અકસ્માતનો ભોગ બનેલા નાગરિકની ઓળખ સાનપાડાના રહીશ સચિન બિચુકલે તરીકે થઈ છે, જેઓ વસઈ ખાતે લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીમાં ફરજ बजाવે છે. તેમણે જણાવ્યું કે કામ પરથી ઘરે પરત ફરતી વખતે અચાનક ચક્કર આવતાં તેઓ સ્ટીયરિંગ પર જ બેભાન થઈ ગયા હતા, જેના કારણે કાર નિયંત્રણ બહાર જઈને ડિવાઇડર સાથે અથડાઈ હતી. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે અને હાલ તેમની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે.

ઉચ્ચ અધિકારીઓએ બિરદાવી બહાદુરી

રબાલે ટ્રાફિક શાખાના સીનિયર ઇન્સ્પેક્ટર નીતિન બડગુજરે બંને કોન્સ્ટેબલોની ત્વરિત સૂઝબૂઝ અને માનવતાપૂર્ણ કાર્યની ભૂરિ-ભૂરિ પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે, "પોલીસ દળ માટે આ ગર્વની ક્ષણ છે. પોતાની ડ્યુટી પૂરી થયા પછી પણ નાગરિકની સુરક્ષા માટે જાગૃત રહીને જીવ બચાવવો એ ખરેખર વંદનીય છે."

 

(8:08 PM IST)