તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
ભારતના મહાનગરોમાં ટ્રાફિક જામ બન્યો આર્થિક દુશ્મન, દર વર્ષે 3.45 લાખ કરોડ રૂપિયાનું ફ્યૂઅલ બળીને રાખ થઈ રહ્યું છે : બેંગ્લોર દેશનું સૌથી વધુ ટ્રાફિક પ્રભાવિત શહેર જાહેર
નવા અહેવાલ મુજબ દિલ્હી, મુંબઈ અને પુણેની હાલત પણ અત્યંત ચિંતાજનક, એક સરેરાશ ભારતીય નાગરિક વર્ષે 80 કલાકથી વધુ સમય ટ્રાફિકમાં વેડફે છે, પ્રદૂષણ અને ઉત્પાદકતાને પણ મોટો ફટકો

નવી દિલ્હી તા.૨૫ : ભારતમાં વધતી જતી વાહનોની સંખ્યા અને અપૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે ટ્રાફિક જામ હવે માત્ર સમયનો બગાડ નહીં, પરંતુ દેશના અર્થતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડતું ગંભીર સંકટ બની ગયું છે. તાજેતરમાં જાહેર થયેલા એક આંતરરાષ્ટ્રીય અહેવાલ મુજબ ભારતમાં ટ્રાફિક જામના કારણે દર વર્ષે અંદાજે 3.45 લાખ કરોડ રૂપિયાનું ફ્યૂઅલ એટલે કે પેટ્રોલ-ડીઝલ બળીને બરબાદ થઈ જાય છે. આ આંકડો દેશની જીડીપીના લગભગ 1.2 ટકા જેટલો થાય છે, જે અત્યંત ચોંકાવનારો છે.
આ અહેવાલમાં દેશના મહાનગરોની સ્થિતિનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં કર્ણાટકની રાજધાની બેંગ્લોરને ભારતનું સૌથી ખરાબ ટ્રાફિક ધરાવતું શહેર જાહેર કરવામાં આવ્યું છે. બેંગ્લોરમાં એક વાહનચાલક પીક અવર્સ દરમિયાન 10 કિલોમીટરનું અંતર કાપવા માટે સરેરાશ 29 મિનિટ 10 સેકન્ડનો સમય વેડફે છે. બેંગ્લોર બાદ દિલ્હી, પુણે, મુંબઈ અને કોલકાતાનો ક્રમ આવે છે. મુંબઈમાં આ જ અંતર માટે 28 મિનિટ 20 સેકન્ડ જ્યારે દિલ્હીમાં 23 મિનિટ 40 સેકન્ડનો સમય લાગે છે.
અહેવાલ જણાવે છે કે ભારતમાં એક સરેરાશ નાગરિક દર વર્ષે લગભગ 80 કલાકથી વધુ સમય ટ્રાફિક જામમાં ફસાઈને વેડફે છે. આ સમયનો જો ઉત્પાદક કાર્યમાં ઉપયોગ થાય તો દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપી શકાય. ટ્રાફિક જામના કારણે માત્ર ફ્યૂઅલનો બગાડ જ નથી થતો, પરંતુ વાહનોના એન્જિન આઈડલિંગ પર ચાલુ રહેવાથી વાતાવરણમાં કાર્બન ઉત્સર્જન પણ મોટા પાયે વધે છે. દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં વાયુ પ્રદૂષણનું એક મોટું કારણ ટ્રાફિક જામ જ છે.
નિષ્ણાતોનું માનવું છે કે શહેરોમાં ઝડપથી વધતી વસ્તી, ખાનગી વાહનો પ્રત્યે વધતો મોહ, જાહેર પરિવહન વ્યવસ્થાની અછત અને રસ્તાઓ પર ચાલી રહેલા સતત બાંધકામ પ્રોજેક્ટ્સ ટ્રાફિકની સમસ્યાને વધુ વકરી રહ્યા છે. બેંગ્લોર જેવા IT હબમાં છેલ્લા એક દાયકામાં વાહનોની સંખ્યા ત્રણ ગણી વધી છે, પરંતુ રસ્તાઓની પહોળાઈ અને ક્ષમતામાં તે પ્રમાણમાં વધારો થયો નથી. ઓફિસના સમયે અને સાંજે છૂટવાના સમયે મુખ્ય જંક્શનો પર કિલોમીટરો સુધી લાંબી કતારો લાગવી એ હવે રોજિંદી ઘટના બની ગઈ છે.
આ આર્થિક નુકસાનને ઘટાડવા માટે નિષ્ણાતોએ અનેક સૂચનો કર્યા છે. જેમાં મેટ્રો અને બસ સેવા જેવા જાહેર પરિવહનને વધુ મજબૂત બનાવવું, કાર-પૂલિંગ અને શેરિંગ મોબિલિટીને પ્રોત્સાહન આપવું, ઓફિસોના સમયમાં ફેરફાર કરી પીક અવર્સનું દબાણ ઘટાડવું અને ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવી સામેલ છે. સરકાર દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ અનેક શહેરોમાં આ દિશામાં કામ ચાલી રહ્યું છે, પરંતુ તેની ગતિ ખૂબ ધીમી છે.
જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો 2030 સુધીમાં ટ્રાફિક જામના કારણે થતું વાર્ષિક નુકસાન 5 લાખ કરોડને પાર કરી જશે તેવી ચેતવણી પણ અહેવાલમાં આપવામાં આવી છે. ફ્યૂઅલનો આટલો મોટો બગાડ દેશની ઊર્જા સુરક્ષા માટે પણ જોખમી છે, કારણ કે ભારત હજુ પણ તેની ક્રૂડ ઓઈલની 85 ટકાથી વધુ જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. ટ્રાફિકની આ સમસ્યા હવે માત્ર શહેરી અસુવિધા ન રહેતા રાષ્ટ્રીય આર્થિક મુદ્દો બની ગઈ છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
