તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
તિરુપતિ બાલાજી મંદિરમાં વાળ ચડાવવાની પરંપરા છે ૯ સદી જુનીઃ રાજકુમારી સાથે જોડાયેલ છે પ્રથા
દર વર્ષે લગભગ દોઢસો ટન કરતાંય વધારે વાળની નિકાસથી ૧૫૦થી ૨૦૦ કરોડની કમાણી

નવી દિલ્હીઃ તિરુપતિ બાલાજી મંદિરમાં માથાના વાળનું દાન કરીને મૂંડન કરાવવાની પ્રથા પણ સદીઓ જૂની છે. અહીં જે દર્શન કરવા આવે છે એ પુરુષો અને ઘણીસ્ત્રીઓ પણ વાળ ઉતરાવી નાખે છે. વાળ એ પુરુષ અને મહિલા બંને માટે ખાસ ગણાય છે, પણ મૂંડન કરાવવાથી તેમના જીવનમાંથી અહંકાર, મિથ્યાભિમાન વગેરેનો નાશ થાય છે.
માથા પરના કાળા ભમ્મર વાળ પુરુષ અને મહિલાના સૌંદર્યનું પ્રતિક છે, પણ તિરુપતિ બાલાજીમાં આ વાળનું દાન કરીને લોકો ભગવાન વેંકેટેશ્વર પ્રત્યે પોતાનો આદર અને ભક્તિભાવ દર્શાવે છે. વાળનું દાન કરવાની પ્રથા આજથી નવ સદી એટલે કે ૧૨મી સદીની છે, તે વખતની કથા પ્રમાણે રાજકુમારી પદ્માવતી અને કેટલાક ભક્તજનોએ ભગવાન વેંકેટેશ્વર પાસે મદદ માગી હતી અને કહ્યું હતું કે ‘જો મને ડાકુઓના હુમલામાંથી ઉગારશો તો હું મારા માથાના વાળ દાનરૂપે આપના ચરણોમાં ચઢાવીશ.'
ભગવાન વેંકેટેશ્વરે તેમની પ્રાર્થના સાંભળી અને તેને બચાવી તેના બદલામાં પદ્માવતીએ મૂંડન કરાવ્યું અને બધાં જ વાળ પ્રભુના ચરણમાં મૂકી દીધા. આમ, મૂંડન પ્રથા અને વાળનું દાન કરવાની પ્રથા તિરુપતિ બાલાજીમાં શરૂ થઇ.
મૂંડન કરતાં પહેલાં વાળનું દાન આપવા ઇચ્છતા ભક્તજનોના વાળ ધોવામાં આવે છે, પછી વાળ કાપવાની શરૂઆત કરવામાં આવે છે. પણ અહીં વાળંદની સામાન્ય દુકાનની જેમ વાળ જમીન પર પડવા દેવામાં આવતાં નથી. કપાયેલા વાળને એક સ્વચ્છ કપડામાં ઝીલવામાં આવે છે અને પછી એ કપડાં સાથે જ તે વાળ મંદિરના સત્તાવાળાઓને આપવામાં આવે છે.
આ વાળ પ્રભુના ચરણ સુધી પહોંચાડવામાં આવ્યા પછી મંદિરના સત્તાવાળાઓ આ વાળ વીગ બનાવનારાઓને વિદેશમાં વેચી દે છે. આમાંથી મંદિરને સારી એવી કમાણી થાય છે.
દર વર્ષે લગભગ દોઢસો ટન કરતાંય વધારે વાળની નિકાસ કરીને રૂપિયા ૧૫૦થી ૨૦૦ કરોડની કમાણી થાય છે જે મંદિરની દાનપેટીમાં જમા થાય છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
