<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

NPCI ના ચાર્જ સામે વેપારીઓનો હલ્લાબોલ: ૨જી ઓક્ટોબરે ગુજરાતમાં 'No UPI Day', ૬૦૦થી વધુ એસોસિએશનો કરશે વિરોધ!

ગાંધી જયંતીએ QR કોડ પર કાળું કપડું ઢાંકીને વિરોધ નોંધાવાશે: રૂ. ૨,૦૦૦ થી વધુના વ્યવહારો પર ૦.૪% MDR ચાર્જ ઝીંકાતા નાના-મોટા વેપારીઓમાં રોષ, ગ્રાહકોને રોકડ કે કાર્ડથી પેમેન્ટ કરવા અપીલ

અમદાવાદ : ડિજિટલ પેમેન્ટના યુગમાં આગામી ૨જી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતીના પવિત્ર દિવસે ગુજરાતમાં એક અનોખો અને અભૂતપૂર્વ વિરોધ જોવા મળશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન પર ઝીંકાયેલા નવા ચાર્જના વિરોધમાં રાજ્યભરના ૬૦૦ થી પણ વધુ વેપારી એસોસિયેશનોએ ભેગા મળીને ૨જી ઓક્ટોબરે ‘નો યુપીઆઈ ડે’ (No UPI Day) ઉજવવાની જાહેરાત કરી છે. આ શાંતિપૂર્ણ પ્રદર્શન દ્વારા વેપારીઓ સરકાર અને NPCI સામે પોતાનો વિરોધ નોંધાવશે.

 

આ સાંકેતિક આંદોલન પાછળનું મુખ્ય કારણ NPCI નો નવો નિયમ છે, જે મુજબ રૂ. ૨,૦૦૦ થી વધુના UPI વ્યવહારો પર ૦.૪% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાદવામાં આવ્યો છે. વેપારી જૂથોનું સ્પષ્ટ કહેવું છે કે, નાના અને મધ્યમ કદના વેપારીઓનું પ્રોફિટ માર્જિન પહેલાથી જ ખૂબ ઓછું હોય છે. આ વધારાના ચાર્જનો બોજ તેમના વેપારને આર્થિક નુકસાન પહોંચાડશે અથવા તો અંતે આ ભારણ ગ્રાહકોના ખિસ્સા પર જ નાખવાની ફરજ પડશે.

 

QR કોડ પર કાળું કપડું ઢાંકવામાં આવશે

 

વિરોધના ભાગરૂપે ૨જી ઓક્ટોબરે સમગ્ર ગુજરાતના નાના ગામડાઓથી લઈને મોટા શહેરો સુધીના તમામ ક્ષેત્રના વેપારીઓ પોતાની દુકાનો પર લગાવેલા UPI QR કોડને કાળા કપડાથી ઢાંકી દેશે. આ દિવસે ગ્રાહકોને પણ UPI પેમેન્ટના બદલે રોકડ (Cash) અથવા કાર્ડ (Card) દ્વારા ચુકવણી કરવા વિનંતી કરવામાં આવશે. જો આ MDR ચાર્જ પાછો ખેંચવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ વેપારી મંડળો દ્વારા આપવામાં આવી છે.

 

(7:03 PM IST)