તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
TCS નાસિકમાં 'ઝેરી' કાર્યસંસ્કૃતિનો પર્દાફાશ: NCW ના અહેવાલમાં જાતીય શોષણ અને ધાર્મિક ઉત્પીડનનો ભયાનક ખુલાસો
રાષ્ટ્રીય મહિલા આયોગે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના નાસિક યુનિટમાં મહિલા સુરક્ષાના લીરેલીરા ઉડતા હોવાનો દાવો કર્યો : Gen Z યુવતીઓને નિશાન બનાવી માનસિક અને ભાવનાત્મક રીતે તોડી પાડવાનું વ્યવસ્થિત ષડયંત્ર આવ્યું સામે

નાસિક: દેશની સૌથી પ્રતિષ્ઠિત આઇટી કંપની ગણાતી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ના નાસિક કેન્દ્રમાં બનેલી ઘટનાઓએ કોર્પોરેટ જગતને હચમચાવી દીધું છે. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા વિગતવાર અહેવાલમાં જણાવાયું છે કે અહીં કાર્ય સંસ્કૃતિ માત્ર ખરાબ જ નહીં, પરંતુ અત્યંત 'ઝેરી' અને હાનિકારક બની ગઈ હતી. અહેવાલ મુજબ, ઉચ્ચ હોદ્દા પર બેઠેલા આરોપીઓએ ઓફિસ પરિસરમાં પોતાનું વર્ચસ્વ જમાવી દીધું હતું અને તેઓ યુવાન મહિલા કર્મચારીઓનું જાતીય શોષણ કરવાની સાથે સાથે તેમના ધાર્મિક વિશ્વાસને પણ નિશાન બનાવી માનસિક ત્રાસ આપતા હતા.
NCW એ આ કેસમાં સૌથી ચિંતાજનક બાબત એ નોંધી છે કે આરોપીઓ ખાસ કરીને 'Gen Z' (નવી પેઢીની) મહિલાઓને નિશાન બનાવતા હતા. આ યુવાન કર્મચારીઓ કામના ભારણ અને કરિયરની શરૂઆતના કારણે સંવેદનશીલ હોય છે, જેનો આરોપીઓએ ભરપૂર ગેરલાભ ઉઠાવ્યો હતો. અહેવાલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કંપનીમાં કાર્યરત 'POSH' (જાતીય સતામણી વિરોધી કાયદો) સમિતિ અને સુરક્ષા પદ્ધતિઓ આ પીડિત મહિલાઓને રક્ષણ આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. ફરિયાદી મહિલાઓએ છેડતી અને ગંભીર જાતીય સતામણીના પ્રયાસોના પુરાવા રજૂ કર્યા છે, જે દર્શાવે છે કે આ એક પદ્ધતિસરનું ઉત્પીડન હતું.
આ મામલે કાયદાકીય ગાળિયો કસાતા મુખ્ય આરોપીની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી છે અને તેને નાસિક રોડ કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. NCW એ આ મામલે TCS ના મેનેજમેન્ટ સામે પણ આકરા સવાલો ઉઠાવ્યા છે કે કેવી રીતે આટલી મોટી સંસ્થામાં આટલા લાંબા સમય સુધી આ પ્રવૃત્તિઓ ચાલતી રહી અને કોઈ પગલાં લેવાયા નહીં. આ ખુલાસા બાદ હવે અન્ય કોર્પોરેટ ઓફિસોમાં પણ મહિલાઓની સુરક્ષા અને કાર્યસ્થળના વાતાવરણને લઈને નવી ચર્ચા છેડાઈ છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
